જિલ્લામાં સામાન્ય બાબતમાં મહિલા ઉપર મારપીટ કરવાના કેસના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. મહિલાઓ ઉપર હુમલા સમયે તેમનો બચાવ થઇ શકે તે માટે મહિલા અભયમની ટીમ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લામાં ગત વર્ષે ૯૩૩ કરતા વધારે મહિલાઓને અભયમની ટીમ દ્વારા મદદ કરવામાં આવી છે. ક્યાંક જીવન લીલા સંકેલવા પહોંચેલી મહિલાઓને પણ અભયમની ટીમ દ્વારા નવજીવન આપવામાં આવ્યુ છે. ત્યારે ઓક્ટોબર મહિનામાં સૌથીવધુ ઘરેલુ હિંસાના બનાવ સામે આવ્યા છે. જેમાં ઓક્ટોબર મહિનામાં ૮૩ મહિલાઓને મદદ કરી હતી. જિલ્લામાં ૫૦૧૭ કોલ મળ્યા છે.
દેશમાં મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાઓ ઉપર અત્યાચારના કેસ વધી રહ્યા છે. ઘર કંકાસથી લઇને છેડતીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ગત વર્ષ ૨૦૨૩માં મહિલા અભયમની ટીમને ૫૦૧૭ કોલ મહિલાઓની સમસ્યાના મળ્યા છે. જેમાં ૯૩૩ મહિલાઓને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાની કામગીરી જિલ્લાની અભયમની ટીમ દ્વારા કરવામાં આવી છે.
ઘર, ઓફિસ, જાહેર રસ્તા ઉપર મહિલાઓ ઉપર અત્યાચાર થઇ રહ્યા છે, છતા સમાજ મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યો છે. એક મહિલા ઉપર જાહેરમાં છેડતી થાય તો લોકો તેને બચાવવાની જગ્યાએ ઘર તરફનો રસ્તો પકડે છે. આ સ્થિતિ વચ્ચે જિલ્લામાં ૯૩૩ કરતા વધારે મહિલાઓને એક વર્ષમાં અલગ અલગ કારણોથી બચાવવામાં આવી છે. ઘરેલું હિંસાના કેસમાં જિલ્લામાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

