પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરિફ મનસેહરા બેઠક પરથી હારી ગયા છે. ત્યારે બીજી તરફ આતંકવાદી હાફિઝ સઈદના કારણે ભારતીયોને પણ આ ચૂંટણીમાં રસ છે. સઈદની પાર્ટી પાકિસ્તાની મરકઝી મુસ્લિમ લીગે ઘણી સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આમાંથી એક સીટ પર હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પણ ઉમેદવાર હતો. મળતી માહિતી મુજબ આ ચૂંટણીમાં તલ્હા સઈદને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સઈદ લાહોરની એનએ-૧૨૨ સીટ પરથી ઉમેદવાર હતો પરંતુ એવું લાગે છે કે પાકિસ્તાનના મતદારોએ આતંકવાદને ના કહી દીધી છે. તાલ્હા પરિણામમાં છઠ્ઠા ક્રમે રહ્યો હતો. તેમને માત્ર ૨,૦૪૨ મત મળ્યા. તલ્હાને હરાવનાર નેતાનું નામ લતીફ ખોસા છે, જે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે.
લતીફ ખોસા લાહોરની આ બેઠક પરથી ૧ લાખથી વધુ મતોથી ચૂંટણી જીત્યા છે. તલ્હા સઈદને લશ્કર-એ-તૈયબાનો નંબર ટુ માનવામાં આવે છે. હાફિઝ સઈદ પછી તેનું આખું આતંકી સામ્રાજ્ય તલ્હા સઈદ પાસે છે. ભારત સરકારે યુએપીએ હેઠળ તલ્હાને આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં લશ્કર-એ-તૈયબાના હુમલા પાછળ તલ્હા સઈદનો હાથ હતો. લશ્કર-એ-તૈયબા માટે ભરતી અને ભંડોળ એકત્ર કરવામાં પણ તલ્હાનું નામ સામે આવ્યું છે. ઉપરાંત, તે ભારત વિરુદ્ધ હુમલાનું કાવતરું ઘડી રહ્યો હોવાનું માનવામાં આવે છે. તલ્હા પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તે ભાગી ગયો હતો. પાકિસ્તાનની ચૂંટણીમાં તેમણે લાહોર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી જ્યાંથી પીટીઆઈ નેતા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ચૂંટણી લડવાની વાત કરી રહ્યા હતા.
જાે કે, બાદમાં તેમની ધરપકડ અને એક પછી એક ત્રણ કેસમાં દોષિત ઠેરવવાને કારણે તેઓ ચૂંટણી લડી શક્યા ન હતા. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો ૧૨ કલાકના વિલંબ બાદ એક પછી એક જાહેર થઈ રહ્યા છે. ૮ ફેબ્રુઆરીએ દેશમાં સામાન્ય ચૂંટણીઓ સાથે રાજ્યની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. ઈમરાન ખાનની પાર્ટીને આ ચૂંટણીઓથી દૂર રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભારતને પણ આ ચૂંટણીમાં રસ હતો.