Gujarat

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે 15 જેન્ડર રિસોર્સ સેન્ટર તથા મહિલા અને બાળકલ્યાણ વિભાગ- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે SETU અંતર્ગત  જેન્ડર અને વિકાસ, જાતિગત હિંસા અને ભેદભાવ – વિષય પર એકદિવસીય રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે એસ.પી યુનિવર્સિટીના કુલપતિ માન.શ્રી નિરંજન પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે માન.શ્રી ગૌતમ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ સરસ્વતીની સાધના- પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી વૈશાલીબહેન મકવાણાએ મહેમાનોનો પરિચય આપી તેમનું શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોને બાપુનો પ્રિય એવો ચરખો, સૂતરની આટી અને પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય શ્રી અમિતભાઈ પરમારે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને કોલેજમાં થતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનો ચિતાર આપ્યો હતો. અતિથિ વિશેષ શ્રી નિરંજન પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે :શિક્ષણ મનુષ્યના ઘડતરમાં સૌથી વધારે ભાગ ભજવે છે. મનુષ્ય એ સામાજીક પ્રાણી છે. ત્યારે સ્ત્રી અને પુરુષમાં અસમાનતાનો ભાવ, જાતિગત હિંસા – આ બધું સમાજને દોલાયમાન સ્થિતિમાં મૂકી દે છે. શિક્ષણથી અને સરકારશ્રીના આવા અવનવા પ્રકલ્પોથી સમાજમાં જાગૃતતા આવશે જ. દિકરીઓને પણ ભણવાનો, જીવનમાં આગળ વધવાનો એટલો જ હક છે જેટલો દીકરાઓને. પૌરાણિક કાળની સ્ત્રીઓને યાદ કરતા તેમણે અપાલા, દ્રોપદી, રાધા, રુકમણી, સીતા જેવાં ઉત્તમ ચરિત્રો અને તેમના કાર્યોની ઝાંખી કરાવી હતી. પ્રથમ બેઠકની આભારવિધિ સેતુ કોઓર્ડિનેટર એચ.કે સાધુ સાહેબે કરી હતી. ત્યારબાદ સૌએ સ્વરુચિ ભોજન લીધુ હતુ.
             બીજી બેઠકમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત અધ્યાપિકા ડૉ. ચંદ્રિકાબહેન રાવલ (સમાજશાસ્ત્ર ભવન) તેમજ ડૉ. શૈલજા ધ્રુવ ( આચાર્યશ્રી, SLU કોલેજ અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા. આ બંને વક્તાશ્રીઓએ તેમના વ્યાખ્યાનમાં સ્ત્રી- પુરુષ અને થર્ડ જેન્ડરને થતા જાતિગત ભેદભાવો અને હિંસાઓની બહુમાર્મિક સ્વરે રજૂઆત કરી હતી. તેમાંય ખાસ કરીને સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારો અને હિંસાઓ, તેમાંથી બચવાના ઉપાયો અને સમાજમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે ખૂબ જ ગૂઢ અને ગહન ચર્ચા કરી હતી. વધુમાં નારી સશક્તિકરણ માટે સરકારશ્રીએ શરૂ કરેલી ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત થતાં લાભોની પણ ચર્ચા કરી હતી. તેમના વાકપ્રવાહમાં સામાજિક અસમાનતાની સાથોસાથ સ્ત્રી પુરુષ સંસાર રથના બે પૈડાં છે. તેને ચલાવવા માટે બંનેની જરૂર પડશે કોઈ એકનું અસંતુલન સમાજને ગેરમાર્ગે વાળશે- એવો માનવતાવાદિ અભિગમ સ્પષ્ટ તરી આવ્યો હતો. અંતમાં ઈતિહાસ વિભાગના પ્રા. આકાશભાઈ પરમારે સેમિનારમાં ઉપસ્થિત સૌનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
       આ કાર્યક્રમમાં સખીમંડળની બહેનો, પોલીસ અધિકારી બહેનો, આંગણવાડીની બહેનો, આશાવર્કર બહેનો, કઠલાલની જુદી જુદી શાળાઓમાંથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સુરક્ષા સેતુની બહેનો, મિશન મંગલમની બહેનો- એમ ઘણી બહોળી સંખ્યામાં સૌ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન આચાર્યશ્રી અમિતભાઈ પરમાર અને ઇન્ચાર્જ આચાર્યશ્રી વૈશાલીબહેન મકવાણાના માર્ગદર્શન હેઠળ સેતુ કો-ઓર્ડીનેટર એચ.કે સાધુએ કર્યું હતું. આખાય કાર્યક્રમનું સુંદર સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. કુસુમબહેન પરદેશીએ કર્યું હતું.

IMG-20240223-WA0020.jpg