Gujarat

પાકિસ્તાનને હવે રાવી નદીનું પાણી નહીં મળે, 42 વર્ષે પ્રોજેક્ટ પૂરો, ભારતના 3 રાજ્યોને થશે ફાયદો

ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ છે. ભારતે ડેમનું નિર્માણ કરીને રાવી નદીના પાણીને પાકિસ્તાન તરફ જતુ રોક્યુ છે. વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર છે. પંજાબના પઠાનકોટ જિલ્લામાં આવેલુ શાહપુર કંડી બેરાજ જમ્મુ-કાશ્મીર અને પંજાબની વચ્ચે વિવાદના કારણે રોકાયેલુ હતુ પરંતુ તેના કારણે વીતેલા ઘણા વર્ષોથી ભારતના પાણીનો એક મોટો ભાગ પાકિસ્તાનમાં જઈ રહ્યો હતો.

પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકાર વચ્ચે કરાર થયા હતા

સિંધુ જળ સંધિ અનુસાર રાવી, સતલુજ અને બિયાસના પાણી પર ભારતનો પૂરો અધિકાર છે જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણી પર પાકિસ્તાનનો અધિકાર છે. 1979માં પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોએ પાકિસ્તાનનું પાણી રોકવા માટે રણજીત સાગર ડેમ અને ડાઉનસ્ટ્રીમ શાહપુર કંડી બેરેજ બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. કરાર પર જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્યમંત્રી શેખ મોહમ્મદ અબ્દુલ્લા અને તેમના પંજાબ સમકક્ષ પ્રકાશ સિંહ બાદલે હસ્તાક્ષર કર્યા હતા.

આ રીતે ડેમની ડેડલાઈન વધતી ગઈ…

વર્ષ 1982માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ પ્રોજેક્ટનો પાયો નાંખ્યો, જે 1998 સુધી પૂરો થવાની આશા હતી. જ્યારે રણજીત સાગર ડેમનું નિર્માણ 2001માં પુર્ણ થઈ ગયુ હતુ. શાહપુર કંડી બેરેજ બની શક્યો નહીં અને રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં વહેતુ રહ્યુ. 2008માં શાહપુરકંડી પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ નિર્માણ કાર્ય 2013માં શરુ થયુ. વિટંબળા એ છે કે 2014માં પંજાબ અને જમ્મુ-કાશ્મીરની વચ્ચે વિવાદોના કારણે પ્રોજેક્ટ ફરીથી રોકાઈ ગયો હતો.

32,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે

2018માં કેન્દ્રએ મધ્યસ્થી તરફ બંને રાજ્યોની વચ્ચે કરાર કરાવ્યા. જે બાદ ડેમનું કાર્ય શરૂ થયુ. આખરે તે ખતમ થઈ ગયુ છે. જે પાણી પાકિસ્તાન જઈ રહ્યુ હતુ તેનો ઉપયોગ હવે જમ્મુ-કાશ્મીરના બે મુખ્ય જિલ્લા કઠુઆ અને સાંબાની સિંચાઈ માટે કરવામાં આવશે. 1150 ક્યુસેક પાણીથી હવે કેન્દ્ર શાસિત પ્રદેશની 32,000 હેક્ટર ભૂમિની સિંચાઈ થશે. ડેમમાંથી ઉત્પાદિત 20 ટકા ભાગ જળવિદ્યુત જમ્મુ અને કાશ્મીર મેળવી શકશે.

પંજાબ-રાજસ્થાનને પણ થશે લાભ

55.5 મીટર ઊંચો શાહપુરકંડી ડેમ એક બહુહેતુક નદી ખીણ પ્રોજેક્ટનો ભાગ છે. જેમાં 206 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતાવાળા બે હાઇડ્રોપાવર પ્લાન્ટ પ્રોજેક્ટ્સ સામેલ છે. આ રણજીત સાગર ડેમ પ્રોજેક્ટથી 11 કિમી નીચે રાવી નદી પર બનાવવામાં આવ્યો છે. ડેમના પાણીથી જમ્મુ-કાશ્મીર સિવાય પંજાબ અને રાજસ્થાનને પણ મદદ મળશે.