Gujarat

ખંભાળિયામાં આવતીકાલે ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળશે, પૂજન અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

ખંભાળિયાના પાદરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવ મંદિરની વરણાંગી દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી પર્વ નિમિત્તે યોજવામાં આવી છે.

આગામી શુક્રવાર તારીખ 8ના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખંભાળિયા શહેરમાં આવેલા આશરે પાંચ સદી જુના પ્રાચીન એવા ખામનાથ મહાદેવ મંદિરની વરણાંગીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે શુક્રવારે સવારે 9 વાગ્યે આ વરણાંગી રંગમહોલ સ્કૂલ પાસેથી નીકળી, ગૂગળી ચોક, પાંચ હાટડી, લુહાર શાળ, ઝવેરી બજાર, હર્ષદ મંદિર, મેઈન બજાર, માંડવી ચોકથી રંગમહોલ સ્કૂલ થઈને વિજય સ્કૂલ પાસેથી બપોરે 2 વાગ્યે ખામનાથ મહાદેવના મંદિર ખાતે પહોંચશે. અહીં દર વર્ષે બ્રાહ્મણો દ્વારા નિયત સમયે ચાર પહોરની આરતી કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા આશરે 100 વર્ષથી વધુ સમય થયા મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ, પાર્વતીજી અને ગણેશજીની ચાંદીની મોટી મૂર્તિઓને પાલખીમાં પધરાવીને શહેરના જુદા જુદા માર્ગો પર તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વરણાંગી (શોભાયાત્રા)માં જોડાવવા તેમજ ખામનાથ મહાદેવ મંદિરે ચાર પહોરની આરતીના દર્શનનો લાભ લેવા શિવભક્તોને વ્યવસ્થાપક સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.