Gujarat

શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા મુક્તિધામ ખાતે મહાશિવરાત્રી ઉજવવામાં આવશે

ગોંડલ મુક્તિધામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 6 વાગ્યે ભસ્મ આરતી, સવારે 7થી 10 ફ્રુટનો શણગાર, સવારે 10થી 12 ફૂલનો શણગાર, બપોરે 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ સર્વે ભક્તોને ફરાર અને ફ્રુટ ડિશ અને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે. મહાશિવરાત્રીના પર્વને લઈને મુક્તિધામને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.

ગોંડલ શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ મુક્તિધામ (સ્મશાન) આશરે 5 વિઘામાં પથરાયેલું છે. જેમાં મુખ્ય દ્વારે ગણેશજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ત્યારબાદ શિવજીની ભવ્ય મૂર્તિ મુકવામાં આવી છે. ભવ્ય બગીચો જેનું નામ કેશવબાગ છે અને મુક્તેશ્વર મહાદેવનું મંદિર, પ્રાર્થના હોલ, સર્વે માતાજીના મંદિરો, તાજેતરમાં જ ગોંડલી નદીના કિનારે કર્મકાંડ માટે 4 યજ્ઞશાળા બનાવવામાં આવી છે.

ગોંડલમાં સેવાનો પર્યાય બનેલ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટમાં પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય કોઈ હોદાઓ રાખવામાં આવ્યા જ નથી. અહીંનો નાનો કે મોટો દરેક કાર્યકર પ્રમુખ જ માનવામાં આવી રહ્યો છે. આ ગ્રુપ દ્વારા છેલ્લા 23 વર્ષ સુધી શહેરમાં યોજાતા લોકમેળામાં આઈસ્ક્રીમનો સ્ટોલ કરી તેમાં થતી આવક સ્મશાનના કામકાજમાં ઉપયોગ કરવામાં આવી રહી છે. લોકમેળામાં છેલ્લા 23 વર્ષથી શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા આઈસ્ક્રીમનો સ્ટોલ કરવામાં આવે છે. તેની તમામ આવક સ્મશાનમાં વાપરવામાં આવે છે.

મુક્તેશ્વર સેવા ટ્રસ્ટની વર્ષ 2001માં શરૂઆત કરવામાં આવી હતી. મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ શાંતિરથ, એમ્બ્યુલન્સ, મેડિકલ સાધનો સેવામાં આપવામાં આવે છે. કોરોના સમયે તાત્કાલિક 1500 જેટલા ઓક્સિજન નવા બાટલાની ખરીદી કરીને તમામ લોકોને આપવામાં આવ્યા હતા. મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના સ્મશાનમાં 2 ગેસ ભઠ્ઠી છે અને 2 ગેસ ભઠ્ઠી નવી બનાવવામાં આવે છે.

કોરોનાકાળમાં તથા બીનવારસીઓના ગોંડલ મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર થયેલ હોય તેના આત્માને મોક્ષાર્થે મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા આજથી મુક્તિધામ ખાતે આવેલ કેશવબાગમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાનું શ્રવણ ડોડીયાળાવાળા શાસ્ત્રી જનક મહેતા દ્વારા કરવામાં આવે છે. રોજ બપોર 3.00 વાગ્યાથી સાંજે 7.00 વાગ્યા સુધી સપ્તાહનું શ્રવણ કરવામાં આવે છે. રોજિંદા મોટી સંખ્યામાં શ્રોતાઓ કથા સાંભળવા માટે આવે છે. રોજ સાંજે મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લે છે.