Gujarat

RTEની 660 બેઠક માટે 12 દિ’ માં 6,410 ફોર્મ ભરાયા

જામનગર શહેર-જિલ્લામાં રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી શાળામાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે 660 બેઠક સામે 12 દિવસમાં અધધ 6410 ફોર્મ ભરાઇ ચૂકયા છે.

ઓનલાઇન ફોર્મ ભરવા વાલીઓના ધસારાના કારણે કુલ બેઠક સામે 9 ગણા ફોર્મ ભરાયા છે. હજુ ચાર દિવસ બાકી છે. સરકારીના બદલે ખાનગી શાળાઓ પોતાના બાળકોને પ્રવેશ માટે વાલીઓ સતત દોડધામ કરી રહ્યા છે.

રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2024-25ના જુન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધો.1 માં વિનામુલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગતhttps:rte.or pgujarat.comપર તા.14 થી 26 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરવા માટે 13 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ મુદત વધારી 30 માર્ચ કરવામાં આવી છે.

સરકારીના બદલે ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે જામનગર શહેર-જિલ્લામાં વાલીઓ સતત દોડધામ કરી રહ્યા છે.

જેના કારણે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની 128 ખાનગી શાળામાં આરટીઇની 300 બેઠક માટે તા.27 સુધીમાં 4390 ઓનલાઇન ફોર્મ ભરાયા છે. જયારે 27 માર્ચની સ્થિતિએ 628 ફોર્મ નામંજૂર એટલે કે રીજેકટ થયા છે.

જયારે જામનગર જિલ્લા પંચાયત હસ્તકની 215 ખાનગી શાળામાંથી 131 શાળામાં આરટીઇની 360 બેઠક માટે 27 માર્ચ સુધીમાં 2020 ફોર્મ ભરાયા છે. જેમાંથી 27 માર્ચની સ્થિતિએ 178 ફોર્મ નામંજૂર થયા છે. શહેર-જિલ્લાની કુલ 343 ખાનગી શાળામાં કુલ 660 બેઠક માટે 12 દિવસમાં અધધ 6410 એટલે કે 9 ગણાથી વધુ ફોર્મ આરટીઇ હેઠળ ભરાયા છે.

ઓનલાઇન અરજીનો સમય 30 માર્ચ સુધી લંબાવાયો

​​​​​​​ આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવાના 26 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારોને આવક, જાતિનાં દાખલા સહિતના આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારવા રજૂઆતો મળી હતી. જેને અનુલક્ષીને આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. 30 માર્ચના રાત્રીનાં 12 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. આથી પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ પર જઈ અરજી કરી શકશે.

આવક અને જાતિના દાખલામાં ભ્ૂલથી ફોર્મ નામંજૂર

આરટીઇના ફોર્મ ઓનલાઇન વેબપોર્ટલ પર ભરવાના હોય છે. જેમાં નકકી કરેલા આધાર અને દાખલા જોડવાના રહે છે. પરંતુ ઘણા કિસ્સામાં વાલીઓ આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તારનો અપલોડ કરે છે. જયારે જાતિના દાખલામાં પિતાના નામને બદલે માતાના નામનો દાખલો રજૂ કરે છે. આટલું જ નહીં પાન કાર્ડ હોય તો રીર્ટન અને જો ન હોય તો સેલ્ફ ડીકલેરેશનનું ફોર્મ રજૂ કરવાનું હોય છે. પરંતુ તેમાં પણ વિકલ્પ પસંદગીમાં ભૂલ કરતા આકારણી વર્ષ ફરી જવાના કારણે આરટીઇના ફોર્મ રીજેકટ થતા હોવાનું ડીઇઓ કચેરીના અધિકારીઓએ જણાવ્યું છે.