Gujarat

ગઢડાના ભીમડાદ ગામે ખજૂરભાઈ આવતા આખું ગામ જોવા ઉમટ્યું; નીરાધાર ભાઈ-બહેનને નવું મકાન બનાવી આપવાની કામગીરી શરૂ કરી

સેવાના ભેખધારી અને હજારો મકાનવિહોણા લોકોને મકાન બનાવી આપનાર તેમજ હમેશાં ગરીબ અને નાના માણસોની મદદ કરનાર ખજૂરભાઈ ગઢડાના ભીમડાદ ગામે નિરાધાર ભાઈ-બહેનની વ્હારે આવ્યા હતા. જ્યારે ખજુરભાઈને જોવા અને સેલ્ફી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમદાડ ગામે રહેતા ગરીબ અને નિરાધાર ભાઈ-બહેન કે જેઓને રહેવા માટે કાચુ મકાન હતું અને આ બંને ભાઈ-બહેન થોડા માનસીક પણ હતા અને એકલવાયું જીવન જીવી રહ્યા હતા.

ત્યારે ગામના સેવાભાવી યુવાનો વીડિયો બનાવી ખજુરભાઈ સુધી પહોંચાડતા. નીતીન જાની ઉર્ફે ખજૂરભાઈ આજે ભીમદાડ ગામે આવ્યા હતા અને બંને ભાઈ-બહેન માટે સુંદર અને સુવિધાયુક્ત મકાન બનાવવાની ખાતરી આપી હતી.

તરત જ જીસીબી બોલાવી કાચું મકાન જમીનદોસ્ત કરીને નવું મકાન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ભીમદાડ ગામે ખજુરભાઈ આવ્યાના આ સમાચાર વાયુ વેગે ફેલાતા આખું ભીમદાડ ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ખજુરભાઈને જોવા ઉમટ્યા હતા અને ખજુરભાઈ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી.