ગુડા-૧, ગુડા-૨, મંડલવા-૧, મોટી સાંકળ, દેવધ, વીજળી, ધરોલીયા સહિતના મતદાન મથકના લોકોને મતદાન અંગે જાગૃત કરાયા
ગત વિધાનસભાની ચૂંટણીમાં ૫૦ ટકાથી ઓછું મતદાન અને સ્ત્રી – પુરૂષ મતદાન ટકાવારીમાં ૧૦ % થી વધુ તફાવત હોય તેવા મતદાન મથકોના મતદારોને ‘ચુનાવ પાઠશાળા’ થકી જાગૃત કરાશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨માં જિલ્લામાં સ્ત્રી – પુરૂષ મતદાન ટકાવારીમાં ૧૦ ટકાથી વધુના તફાવત હોય તેવા અને ૫૦ ટકાથી ઓછું મતદાન નોંધાયું હોય તેવા મતદાન મથકોની ઓળખ કરીને આ વિસ્તારોમાં “ચૂનાવ પાઠશાળા” રૂપી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના ગુડા-૧, ગુડા-૨ અને મંડલવા-૧, કવાંટ તાલુકાના મોટી સાંકળ, દેવધ અને વીજળી તેમજ બોડેલી તાલુકાના ધરોલીયા મતદાન મથક ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત તાલુકાના તાલુકા સ્વીપ નોડલ, ટી.પી.ઈ.ઓ. સહિતના અધિકારીઓએ લોકોને મતદાન અંગે જાગૃત કર્યા હતા. ઉપસ્થિત સૌએ અચૂક મતદાન કરવામાં શપથ લીધા હતા.

