સમગ્ર કચ્છમાં એક તરફ લોકસભાની ચૂંટણી સંદર્ભે ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન થઇ રહ્યું હતું. વચ્ચે શહેરના સરપટનાકા નજીક ધોળા દિવસે ધમધમતા માર્ગ પર સામાન્ય બાબતે આધેડની હત્યા થતા દોડધામ મચી ગઇ હતી. માછીમારી કરવા જતા સમયે બોલેરો ગાડી ધીમે ચલાવવાનું કહ્યા બાદ મામલો ગરમાતા છરી અને કોયતાથી હુમલો કરી આધેડની હત્યા નીપજાવાઇ હતી.
જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળતી વિગતો મુજબ આશાપુરા નગરમાં રહેતા 50 વર્ષીય રમેશભાઈ મુસાભાઈ કોલીને આશાબાપીરની દરગાહ સામે કરશન કોલી, તેની પત્ની રમીલાબેન તથા પુત્ર ગોવિંદ અને અરવિંદએ ગાડી ધીમે ચલાવવા બાબતે હુમલો કરી છરી અને કોયતાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જે.ઠુમ્મર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મૃતક રમેશભાઈ કોલી તેમના દીકરા અને અન્ય દશેક લોકો સાથે મંગળવારે લાધાભાઈ કેવરની બોલેરો ગાડી લઈને કંકાવટી ડેમમાં માછીમારી કરવા નીકળ્યા હતા. એ સમયે કરશન દેવા કોલી બેફામ ગાડી ચલાવતો હોવાથી મૃતક રમેશભાઈ અને સાથે રહેલા અન્ય લોકોએ ગાડી ધીમે ચલાવવાનું કહ્યું હતું. પરંતુ આરોપીએ દાદ ન આપી ગાડી પુરપાટ હંકારતો હતો.
જેથી સાથે રહેલા લોકોએ માછીમારી કરવાનું માંડી વાળી ગાડી પરત લઇ લેવાનું કહ્યું હતું. જે બાદ સાંજે મામલો ગરમાતા હુમલો કરાયો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોચતા આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

