રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માગી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લડ્યો. આ રાજકીય કારકિર્દીના સૌથી કઠિન દોરમાંથી પસાર થયો. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટા વમળો સર્જાયા.
જાહેર જીવનના ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પસાર થયો એ મારું નિવેદન હતું. સમગ્ર ઘટનાનું કેન્દ્રબિંદુ પણ હું જ હતો. તેના કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેના કારણે સમગ્ર ભાજપપક્ષ તેમાં લપેટાઈ. સામાન્ય રીતે મારા વક્તવ્ય મારી પાર્ટી માટે એસેટ હતા અને પ્રોત્સાહક રહેતા, પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ દ્વિધામાં મુકાયો.
ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું: રુપાલા
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, મારા નિવેદન બદલ ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર. તે વખતે મેં પણ ક્ષત્રિય સમાજની માફી માગી હતી, પરંતુ હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોઈ રાજકીય વિષય નથી.
હવે પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોને લાગણી દુભાઇ હતી અને તે વખતે પણ મેં માફી માંગી હતી. આજે ફરી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું.
‘હું દિલગીરી વ્યક્ત કરું છું’
તેમણે એમ પણ કહ્યું કે, મારા કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે સાંભળવું પડ્યું હશે તે પણ મારા માટે ખૂબ જ પીડાદાયક અને કષ્ટદાયક છે. ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે, સમગ્ર ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે મારા નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજના ઇતિહાસ બાબતે કોઈને કહેવાનું મન થાય તેનાથી પણ રહીને વિકાસની આ કેળીમાં આગળ વધે તેવું નમ્ર નિવેદન છે. મારા કારણે ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું આવ્યું તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.

