જેતપુરના બોખલા દરવાજા વિસ્તારનો બનાવ: મિત ચંદવાણીને હુસેન અજવાણી અને તેના ભાઈ સહિતના શખ્સોએ ઢોર મારમાર્યો: જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોરમાં ઊંઘની દવા લેવાં ગયેલ ત્રણ શખ્સોએ મારામારી કરી હતી. મેડિકલ સ્ટોરના કર્મચારીએ ઊંઘની દવા તબીબના લખાણ વગર ન મળે કહેતાં ઢોર મારમાર્યો હતો. બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે જેતપુરમાં જુના પાંચપીપળા રોડ પર ગુજરાતીની વાડીમાં શ્રી પાર્ક સોસાયટીમાં રહેતાં મીતભાઈ હરેશભાઈ ચાંદવાણી (ઉ.વ.20) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હુસેન અજવાણી, ઇમરાન અજવાણી અને એક અજાણ્યાં શખ્સ (રહે. ત્રણેય ગોવિંદ્રામાં ,જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સાડા ચાર વર્ષથી જેતપુરમાં બોખલા દરવાજે આવેલ મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે.

ગઈકાલે ત્રણેક વાગ્યા બાદ મેડિકલે હતો ત્યારે સાંજના આઠેક વાગ્યાની આસપાસ મેડીકલે અજાણ્યા ત્રણ શખ્સો આવેલ જેમાંથી હુસેન અજલાણી નામના શખ્સે તેને કહેલ કે, અમારે ઉંઘની દવા જોઇએ છે તો મને તે આપો તેમ વાત કરતા તેને કહેલ કે, ડોકટરનું લખાણ છે તો દવા આપીએ લખાણ વગર દવા આપતા નથી તેમ કહેતાં હુસેન અજલાણીએ કહેતા તે ઉગ્ર બની ગયેલ અને ગાળો આપવા લાગેલ જેથી તેમને ગાળો આપવાની ના પાડતા ઉગ્ર બની ઢીકા-પાટુનો માર મારવા લાગેલ અને તેની સાથે આવેલ હુસેન અજલાણીનો ભાઇ ઇમરાન અજાલાણી જે પણ ઢીકા-પાટુનો માર મારવા લાગેલ હતો. તેમજ તેની સાથેનો અજાણ્યો શખ્સે તેને પકડી રાખી ત્રણેય ઢીકા-પાટુનો ઢોર મારમાર્યો હતો. બાદમાં લોકો દોડી આવતાં ત્રણેય શખ્સોએ તારે અમને ઉંઘના ટીકડા આપવા જ પડશે જો નહીં આપે તો તને મારીશુ અને તું જીવતો રહીશ નહિં તેમ ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

