Gujarat

રવિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન; શનિવારે ઉર્ષ મુબારકનું આયોજન, શુક્રવારે મજલીસ પણ યોજાશે

રવિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ખંભાળિયામાં જામનગર રોડ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 12 મીના રોજ સવારે 9થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્રરોગ નિદાન-સારવાર, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ શાંતાબેન ગુલાબરાય બદીયાણી ફાઉન્ડેશન, ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અક્ષય સુભાષ મોરજરીયા ફાઉન્ડેશન – મુંબઈ (હ. અજયભાઈ ગાંધી તથા પ્રદીપભાઈ ગાંધી)ના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં વીરનગરની જાણીતી શિવાનંદ મિશન હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દર્દીઓને તપાસી, સારવાર અપાશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને બસ મારફતે વીરનગર લઈ જઈને આધુનિક પદ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે.

સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાત ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસી, વિનામૂલ્યે દવા આપવામાં આવશે. આ કેમ્પનો મહત્તમ લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને માનવસેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ અપીલ કરી છે.

શનિવારે ઉર્ષ મુબારકનું આયોજન, શુક્રવારે મજલીસ પણ યોજાશે

ખંભાળિયા નજીક આવેલા કંચનપુર ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સુમરા જમાત દ્વારા આગામી શનિવાર તારીખ 11ના રોજ હઝરત નાથનશાહ વલી આશહાબા પીરના 23મા ઉર્ષ મુબારકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કંચનપુર (કરમદી) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારે સાંજે ચાર વાગે ઘોડાની રેસ યોજવામાં આવશે.

આ પૂર્વે બપોરે અઢી વાગ્યે કંચનપુર ગામમાંથી દરગાહ શરીફ સુધી સંદલ શરીફ તેમજ ચાર વાગ્યે ચાદર શરીફ બાદ સાંજે પાંચ વાગ્યે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું છે. ઉર્ષ મુબારકની પૂર્વ સંધ્યાએ શુક્રવાર તારીખ 10ના રોજ રાત્રે ઈસાની નમાઝ બાદ મુકરીરે ખાસ આયોજનમાં સૈયદ હાજી અબ્દુલ કાદિર બાપુ, સૈયદ ફહીમુદીન અખ્તર પેશઇમામ, મૌલાના અહેમદરઝા સાહેબ શાનદાર તકરીર ફરમાવશે.

આયોજનના અંતમાં શનિવારે રાત્રે 10 વાગ્યે મશહૂર કવ્વાલ સાથેના કવ્વાલી મુકાબલાનું પણ આયોજન થયું છે. જેમાં સહભાગી થવા સમસ્ત સુન્ની મુસ્લિમ સુમરા જમાત – કંચનપુર દ્વારા અપીલ કરવામાં આવી છે.