Gujarat

જામનગરમાં વેપારી દ્વારા પાણીનો બોર કરાવતી વખતે ગેસની લાઈનમાં ડેમેજ થતાં દોડધામ મચી, દુકાનદાર અને બોરવેલ કંપનીનો સ્ટાફ ફરાર થઈ ગયો

જામનગરના હિંમતનગર રોડ પર એક દુકાનદાર દ્વારા જાહેર રોડ પર ખોદ કામ કરીને પાણીનો બોર કરવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતાં બોરવેલમાંથી એકાએક ગેસના ફુવારા ઉડયા હતા, અને દુકાનદાર તેમજ બોરવેલ કંપનીનો સ્ટાફ પલાયન થયો હતો.

આ ઘટના બાદ ગેસ લીકેજ થવાના કારણે 7000 જેટલા ગેસજોડાણ ધારકોને અસર થઈ હતી, અને ગેસ એજન્સીની ટુકડી એ દોડી જઈ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી પૂર્ણ કરી લીધી હતી. ઉપરાંત એસ્ટેટ શાખાની ટુકડીએ દોડી જઈ બોરવેલની કંપનીનો કેટલોક માલ સામાન જપ્ત કરી લીધો છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં હિંમતનગર કોલોની રોડ પર એક દુકાનદાર દ્વારા પોતાના દુકાનના દરવાજા પાસે પાણીનો બોર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પાણીનો બોર કરવાનું શરૂ કરાવ્યું હતું.

બોર કરતી વખતે એકાએક નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું, અને બોરવેલમાંથી એકાએક ગેસના ફુવારા ઉડયા હતા. જે ઘટનાને લઈને દુકાનદાર તેમજ બોરવેલ સંચાલકનો સ્ટાફ વગેરે અડધું કામ મૂકીને ભાગી છૂટયા હતા.

આ ઘટનાને કારણે ગુજરાત ગેસ કંપનીના અંદાજે 7000 ગ્રાહકોને અસર થઈ હતી. જે ઘટનાની જાણ થવાથી ગેસ એજન્સીનો સ્ટાફ બનાવના સ્થળે દોડી આવ્યો હતો, અને સૌ પ્રથમ પાઈપલાઈનમાંથી પસાર થતો ગેસ બંધ કરી દઈ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી પૂર્ણ કરી લઈ ગેસ લીકેજને બંધ કર્યો હતો.

સમગ્ર બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી સુનિલભાઈ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવરભાઈ ગજણ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને બોરવેલ કંપનીનો કેટલોક માલ સામાન સ્થળ પર પડેલો હતો, જે જપ્ત કરી લઈ મહાનગર પાલિકાની કચેરીમાં જમા કરાવી દીધો છે.

દુકાનદાર તેમજ બોરવેલના સંચાલકોને બોલાવી લઈ ગેસ એજન્સીને થયેલી નુકસાનીની વસૂલાત માટેની કાર્યવાહી ચાલી રહી છે.