Gujarat

ધો.12 સાયન્સનું પરિણામ 15% વધ્યું, A1 ગ્રેડમાં ગત વર્ષના 5થી વધી 55 વિદ્યાર્થી, છતાં રાજ્યમાં 19મા ક્રમે

ગુજરાત બોર્ડે જાહેર કરેલા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં અમદાવાદ શહેરનું 81.05 ટકા જ્યારે અમદાવાદ ગ્રામ્યનું 85.05 ટકા રિઝલ્ટ આવ્યું છે. 2023ના વર્ષની સરખામણીએ શહેરના પરિણામમાં 15.43 ટકા જ્યારે ગ્રામ્યના પરિણામમાં 15.13 ટકા વધારો નોંધાયો છે.

ગત વર્ષે 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં માત્ર 5 વિદ્યાર્થી એ1 ગ્રેડ મેળવી શક્યા હતા. પરંતુ આ વર્ષે આ સંખ્યા વધીને 55 થઈ છે.

ગ્રામ્યમાં ગત વર્ષે એકપણ વિદ્યાર્થીને એ1 ગ્રેડ મળ્યો ન હતો. જ્યારે આ વર્ષે ગ્રામ્યના 32 વિદ્યાર્થી એ1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. શહેરના એકંદરે પરિણામમાં ગત વર્ષની તુલનાએ 15.43 ટકાનો અને ગ્રામ્યના પરિણામમાં 15.13 ટકાનો વધારો થયો હોવા છતાં આ વર્ષે અમદાવાદ રાજ્યમાં 19મા ક્રમે ધકેલાયું છે.

ગત વર્ષે આ ક્રમ 17મો હતો. ગ્રામ્યની વાત કરીએ તો ગત વર્ષે તેનો ક્રમ 12મો હતો. તે પણ ધકેલાઈને 14મા ક્રમે પહોંચ્યો છે. શહેરમાંથી 23889 અને ગ્રામ્યમાંથી 19424 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી શહેરના 3070 અને ગ્રામ્યના 2117 વિદ્યાર્થી નાપાસ થયા હતા.