Gujarat

અખાત્રીજે ગામ લોકો ટ્રેકટર, બળદ સાતી, દાતરડું, કોદાળી સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે

અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત જેમાં સૌ લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે. જ્યારે સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના દિવસે સ્વાધ્યાય પરિવાર દ્વારા તથા ગ્રામલોકોના સહકારથી ખેડૂતો ભૂમિપુજન કરીને યોગેશ્વર કૃષિમાં વાવણીનું મુહૂર્ત કરે છે.

સેજકપર ગામના ખેડૂતો સમૂહમાં એકત્ર થઈને અખાત્રીજના દિવસે ગામના લોકો પોતાના ખેતીના સાધનો જેવા કે ટ્રેકટર, બળદ સાતી, દાતરડું, કોદાળી સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે.

ત્યારબાદ સુશોભિત કરેલા ટ્રેક્ટરમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા યોગેશ્વર ભગવાનના ફોટા મૂકીને ભાવગીત ગાતા ગાતા ભગવાનના ખેતર જવા નીકળે છે. પાછળ ગામના લોકો ટ્રેક્ટર તથા બળદ સાતી સાથે નીકળે છે. જ્યાં યોગેશ્વર કૃષિ એટલે કે ભગવાનના ખેતર જઈ ગામના લોકો ઈચ્છા અનુસાર દંપતીમાં જમીન પર બેસીને કંકુ ચોખા અબીલ ગુલાલથી પૂજન અર્ચન કરે છે. ખેડૂતો સાથે લાવેલા અનાજ કે બિયારણ જમીનમાં રોપીને વાવણીનું શુભ મુહૂર્ત કરે છે.

ત્યારબાદ ગામના લોકો પોતાના ખેતીના સાધનો વડે ભગવાનના ખેતરમાં પ્રાર્થના કરે છે. ગામના લોકોની એવી માન્યતા છે કે સૌ પ્રથમ ભગવાનના ખેતરમાં ભૂમિ પૂજન અને ખેતીનુ મુહૂર્ત કરી પોતાના ખેતરમાં ખેતીમાં આવે તો શ્રમ યજ્ઞ દ્વારા ભગવાન યોગેશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. વધુમાં સ્વાધ્યાય પરીવાર તથા ગામલોકો દ્વારા આવા કાર્યથી ગામલોકોમાં એકતા અને સહકારની ભાવના જળવાઈ એવા કાર્યો કરતા જોવા મળે છે.