Gujarat

કાલાવડના આણંદપરના ખેડૂત પાસે 15 લાખની ખંડણી માંગી ધમકી દીધાની બે શખ્સ સામે પોલીસમા ફરિયાદ નોંધાતા ચકચાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત પિતા-પુત્ર પાસે બે શખ્સોએ રૂપિયા 15 લાખની ખંડણી માંગતાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખેડૂતને જમીનના વેચાણના ચાર કરોડ રૂપિયા આવ્યાં હોવાની બંનેને જાણકારી મળી હોવાથી ખંડણી માગી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધીરુભાઈ હરજીભાઈ જેસડીયા નામના 55 વર્ષના ખેડૂતે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાને તથા પોતાના પુત્ર જયને ટેલીફોન ઉપર તેમજ ઘર પાસે આવીને ધાક ધમકી આપ્યાની અને રૂપિયા 15 લાખની ખંડણી માંગ્યા અંગેની ફરિયાદ પોતાના જ ગામના વિશાલ કારાભાઈ રાખસિયા તેમજ પીઠડીયા ગામના દિનેશભાઈ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખેડૂતે ધીરુભાઈએ પોતાની ખેતીની જમીન આજથી એકાદ વર્ષ પહેલા રાજકોટના એક વ્યક્તિને વેચાણથી આપી હતી, જેના વેચાણની અંદાજે 4 કરોડ રૂપિયા જેવી રકમ આવી હતી.

જે રકમ મળી હોવાની જાણકારી ઉપરોક્ત બંને આરોપીઓને થઈ જતાં અગાઉ ટેલિફોન મારફતે ધમકી આપી 15 લાખ ખંડણી પેટે આપવા પડશે, તેવી માંગણી કરાઈ હતી.

જે માંગણી નહીં સ્વીકારતાં બંને આરોપીઓ ઘરે આવીને દરવાજામાં લાતો મારી પૈસાની માંગણી કરતા હોવાથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો છે. જેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ સામે આઈપીસી કલમ 385, 294-ખ, 506-1 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે.

જે બંને આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે. કાલાવડ તાલુકાના નાના એવા આણંદપર ગામમાં આ ફરિયાદના બનાવે ભારે ચકચાર જગાવી છે.