રાજકોટનાં કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયાની આગેવામાં જીલ્લા કલેકટર પ્રભવ જોશીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજકોટ કામદાર યુનિયન અને સમસ્ત અનુ.જાતિ અધિકાર આંદોલનના આગેવાનો દ્વારા ગત તા.15 મેના રોજ વર્ગ-4ના કર્મચારીને થતા અન્યાય, શોષણ તેમજ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના નાક નીચે ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરી વર્ગ-4ના કર્મચારીઓને ન્યાય આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ પાછળથી સિવિલ અધિક્ષક દ્વારા કામદાર યુનિયન અને અનુ.જાતિ અધિકાર આંદોલનના આગેવાનો વિરુદ્ધ પોલીસમાં અરજી આપવામાં આવી હતી. તા.18 મેનાં રોજ સદર પોલીસ ચોકીમાં તેઓને જવાબ લખાવવા માટે બોલાવાયેલ ત્યારે જણાવ્યું હતું કે, પીડીયુના તબીબી અધિક્ષક આર.એસ. ત્રિવેદી દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે કે, તેઓએ આત્મવિલોપનની ધમકી આપી અને હેરાન પરેશાન કરેલ છે. પોતાના વિરુદ્ધની આવી ખોટી અરજી કરાયેલ હોય તેઓને ભયભીત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી તેઓના વિરુદ્ધ તબીબી અધિક્ષકે કરેલા આક્ષેપોની તપાસ કરવા માંગ કામદાર યુનિયને ઉઠાવી છે.

