Gujarat

શહેરનાં રસ્તાઓ સુમસામ બન્યા; બપોરે ચિત્રકૂટ સર્કલ અને યોગેશ્વર ચોકડી પર લોકોની હલચલ નહીવત

અંજારમાં આજે પણ તાપમાન 39 ડિગ્રી પર યથાવત રહેતા જનજીવન પર અસર પડી રહી છે. બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લોકો પોતાના ઘરોમાં પુરાઇ રહ્યા હતા. વેકેશનના ટાઈમમાં બાળકોની ફેવરિટ ક્રિકેટ મેચો તડકાના કારણે બંધ રહી છે. ગરમીના કારણે વેકેશનમાં પણ બાળકો ઘરમા પુરાઇ ગયા છે.

શહેરનાં રસ્તાઓ સુમસામ બન્યા છે તેમજ વાહન વ્યવહાર બપોરના સમયે બંધ રહેતા એકલ દોકલ લોકો દેખાઇ રહ્યા છે. હજુ પણ આ ગરમી સતત બે ત્રણ દિવસ પડે એવી આગાહી છે. રાજ્યમાં હજુ 6 દિવસ ગરમીથી રાહત મળશે નહી તેમજ હીટવેવનો કહેર વધુ આકરો બન્યો છે.

સમગ્ર ગુજરાત સાથે કચ્છના અંજારમાં પણ લોકો ભીષણ ગરમીમાં સેકાઇ ગયા છે. વિશેષ કરીને છેલ્લા ત્રણ દિવસથી સતત તીવ્ર ગરમીનો પ્રકોપ સહન કરી રહેલા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે બપોરે અંજારના ચિત્રકૂટ સર્કલ અને યોગેશ્વર ચોકડી પર લોકોની હલચલ નહીવત રહી હતી. જ્યારે ટ્રાફિક પણ ખાસ્સો ઘટી ગયો હતો.