ગાંધીધામમાં ભારે ગરમીની અસર વેપાર વાણીજ્ય પર પણ પડી રહી છે, દુકાનધારકોનું કહેવું છે કે લોકો બહાર નિકળવાનું ટાળતા હોવાથી અડધો અડધ ધંધો તુટી ગયો છે. બપોર બાદ ઠેઠ જઈને કોઇ ગ્રાહકો નજરે ચડે છે.
ગાંધીધામની મુખ્ય બજારમાં ઓનલાઈન બજાર અને મોલનો ફટકો પહેલાજથીજ પડેલો છે ત્યારે હવે જઈને ગરમીના કારણે ગ્રાહકોએ બહાર નિકળવાનું ટાળતા વધુ એક ફટકો પડ્યો છે.
નોંધપાત્ર છે કે ગત મહિનમાં બેથી વધુ વાર સમગ્ર રાજ્ય અને અનેક વાર જિલ્લામાં સર્વાધિક તાપમાન ગાંધીધામ, કંડલા સંકુલનું રહેવા પામ્યું છે. જેના કારણે સામાજિક જીવન ઘણા હિસાબે પ્રભાવિત થયું છે. લોકો બહાર નિકળવાનું ટાળતા વેપાર ધંધાઓ ઠપ્પ થઈ ગયા છે. તેમાંય વારંવાર વિજળી વેરણ થતા વેપાર ધંધા પર તેની અવળી અસર પડી રહી છે.
ઓનલાઈન સાથે ગરમીની માર ભારે: વેપારી પ્રમુખ
ગાંધીધામ વેપારી પ્રમુખ રાજુભાઈ ચંદનાનીએ જણાવ્યું કે એક તરફ ઓનલાઈન અને મોટા મોલની માર્કેટ પર માર છેજ, તે સામે હવે ગરમીના કારણે આ અસર વધુ વર્તાઈ રહી છે. લોકોએ સ્થાનિક વેપારીઓ તરફ વળીને શહેરનો પૈસો શહેરમાં રહે અને કોઇની રોજગારી કે કોઇની મદદ માટે કામમાં લાગે તેવા પ્રયાસો કરવા જોઇએ.
12થી 6 વાગ્યા સુધીમાં ગ્રાહકોને ગોતવા જાવા પડે છેઃ ભારતનગર વેપારી મંડળ
ભારત નગર વેપારી મંડળના સચિવ સુનીલ પારવાણીએ જણાવ્યું કે ગરમી એટલી વધારે છે કે બજારમાં જરા પણ ચહલપહલ નથી, જો તે થાય તો ઘરાકી વધી શકે. પરંતુ બપોરના 12 થી સાંજના 6 વાગ્યા સુધી તો નથી વેપારીઓ બહાર નિકળી શકતા કે નથી ગ્રાહકો નિકળતા. ઉપરાંત જે ગ્રાહકો બહાર નિકળે છે તેમના માટે મંડળ દ્વારા પાણી,ઓઆરએસ અને લીંબુ પાણીની વ્યવસ્થા કરાઈ છે.