બગોદરા ધોળકા હાઇ-વે ઉપર આવેલા ગાંગડ ગામના પાટિયા પાસે મોડી રાત્રે ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં બસમાં સવાર 22 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને બગોદરા સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી. આ લકઝરી બસમાં નાના-મોટાં આશરે 100 જેટલા મુસાફર સવાર હતાં. સદનશીબે કોઇ જાનહાની થવા પામી નહોતી.
પોરબંદર જિલ્લાના ભગોદર ગામથી મજૂરોને મધ્ય પ્રદેશના જુદાં-જુદા ગામોમાં જવાનું હોવાથી ગોધરા ગુજરાતની બોર્ડર સુધી જવા માટે આશરે 100 જેટલા પુરૂષો, મહિલાઓ અને બાળકો ખાનગી લક્ઝરી બસમાં બેસીને રવાના થયા હતા. મોડી રાત્રે લકઝરી બસ બગોદરા થઈને ધોળકા તરફ જઈ રહી હતી. ગાંગડ ગામના પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે લક્ઝરી બસનો ડ્રાઈવરે દારૂ પીધેલો હોવાથી સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં લકઝરી બસ હાઇ-વેની સાઇડમાં ખાડામાં પલટી મારી ગઈ હતી.
મોડી રાત હોવાથી મુસાફરો સૂઈ રહ્યા હતાં અને અચાનક બસ પલટી જતાં મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ કંપી ઉઠયું હતું. લકઝરી બસનો ડ્રાઈવર બસ મુકીને ભાગી ગયો હતો. મુસાફરો માંડ-માંડ બહાર નીકળ્યા હતા. અકસ્માતમાં 22 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. સદનશીબે કોઇ જાનહાની થવા પામી નહોતી. કોઈએ 108ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં તરત 108 ઘટના સ્થળે પહોંચી જઈને ઇજાગ્રસ્તોને બગોદરા સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી. એક વ્યકિતને વધારે ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.
લકઝરી બસની ડ્રાઈવર સીટ પાસેથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી. દારૂ પીને ડ્રાઈવર બસ ચલાવતો હોવાનો મુસાફરોએ જણાવ્યું હતું. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હોવાથી મજૂરોની હાલત કાફોડી બની હતી.
વહેલી સવારે મંગલ મંદિર માનવસેવા પરિવારના પ્રમુખ દિનેશભાઈ લાઠિયાને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જઇને તેમણે તમામ મજૂરોને આશ્રમ ખાતે લાવીને તમામને ભોજન કરાવ્યું હતું. રાજયનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તેમના પીએને ઘટનાની જાણ કરી તમામ મુસાફરો માટે એસ.ટી.બસ ફાળવવા માંગ કરતાં તેમણે તરત જ બાવળા એસટી ડેપોમાં વાત કરીને 2 બસની વ્યવસ્થા કરીને તમામને ગુજરાતની બોર્ડર સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.