છેલ્લા કેટલાક વર્ષોથી રોપડા પ્રાથમિક શાળામાં પર્યાવરણ દિવસની ઉજવણીમાં શાળામાં વિદ્યાર્થી દીઠ તેમજ ગામમાં પરિવારના સભ્ય દીઠ વૃક્ષો વાવી કાળજી લઈ ઉછેર કરવામાં આવે છે.
આ અનોખી પહેલ માટે વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વન વિભાગ ગાંધીનગર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં પર્યાવરણ માટે પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને આમંત્રિત કરાઈ હતી. જેમાં દસક્રોઈના રોપડા પ્રાથમિક શાળાના 35 વિદ્યાર્થી, શાળાના શિક્ષક, આચાર્ય તેમજ એસએમસીના 2 સભ્યને આમંત્રિત કરાયા હતા.
જેમાં તેમણે વૃક્ષારોપણ કર્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દસક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને સહયોગથી ગામમાં અસંખ્ય વૃક્ષો વાવી માવજત કરવામાં આવે છે.
ગત વર્ષે રોપડા શાળા, ગ્રામ પંચાયત અને અન્ય સંસ્થા સાથે મળી રોપડા ગામની શાળા અને ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ 2751 જેટલા છોડ ઉછેરવામાં આવ્યા હતા. જેમાંથી 550 જેટલા છોડનો વિકાસ થયો છે.
શાળા અને ગામને હરિયાળું બનાવવાના અનેક પ્રયાસો દર વર્ષે કરાય છે. આ વર્ષે રોપડા ગામના દરેક પરિવારે પરિવારમાં જેટલા ઘરના સભ્યો હોય તેટલા પ્રમાણમાં વૃક્ષ ઉછેરવાનો સામૂહિક પ્રકલ્પ વિશ્વ પર્યાવરણ દિનના દિવસે લીધો છે.