Gujarat

હાઇકોર્ટે પૂછ્યું, મ્યુનિ. કમિશનર સામે હત્યાનો ગુનો કેમ લગાવવામાં આવતો નથી?

રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગકાંડ સુઓમોટો અરજીમાં સરકારે સોંગદનામાને રજૂ કર્યુ હતુ જેમા 3 કોર્પોરેશનના કમિશનરના જવાબનો સમાવેશ થાય છે. રાજકોટ, બરોડા અને અમદાવાદ કોર્પોરેશને હાઇકોર્ટમાં સોગંદનામું કર્યુ છે.

જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઇની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, તમે ફાયરના અને કોર્પોરેશનના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા પરતું કમિશનરની જવાબદારી વિશે તમે શું નક્કી કર્યંુ? કમિશનરને કેમ સસ્પેન્ડ નથી કર્યાં? જવાબદારી સૌથી પહેલા ટોચ પર બેઠેલા વ્યકિતની આવે.ફાયર વિભાગ, ટીડીઓ અને કમિશનર રમત રમ્યા કરે છે.

બાંધકામ તોડી પાડવાનો હુકમ 8-06-2023ના રોજ થયો હતો તે પછી તમે આરામ કર્યો? 28 લોકોએ જીવન ગુમાવ્યા છે.તમે આગમા મરી ગયેલા બાળકોના હત્યારા છો તેના માટે તમે કાઇ કરવા તૈયાર નથી? મ્યુનિસિપલ કમિશનર પર આઇપીસીની કલમ 302 કેમ લગાવતા નથી? ખંડપીઠે સીટને 13મી જૂને એડવાન્સ તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.

અરજદાર એડવોકેટ અમિત પંચાલે એવી દલીલ કરી હતી કે, મ્યુનિસિપલ કમિશનર સામે હત્યાનો ગુનો નોંધાવો જોઇએ.સીજીડીસીઆર સંબંધિત કોઇ મંજુરી લેવાઇ નથી.કોર્પોરેશન કે ફાયર વિભાગે કોઇ જ પગલાં લીધાં નથી.કમિશનરે પોતે જ સ્વીકાર્યુ છે કે ગેમિંગ ઝોન માટે કોઇ કાયદેસર મંજૂરી નહોતી.ખંડપીઠે સરકારને ઉદ્દેશીને એવી ટકોર કરી હતી કે, આ તમામ કમિશનરો તમારા છત નીચે સમાયા છે.

કમિશનર સહિતના તમામ સામે પગલા લેવા સરકારે શું નિર્ણય લીધો છે.કમિશનરને માત્ર બદલી કરવાથી નહી ચાલે.બદલી એ કોઇ શિક્ષા નથી બચાવવાનો પ્રયત્ન છે.ખંડપીઠે એવી પણ ટકોર કરી હતી કે,કોર્પોરેશન, ફાયર અને પોલીસ તમામ અધિકારીઓ આ બનાવ અંગે ગંભીરતા જાણતા હોવા છતાં બનાવ બનવાની રાહ જોતા હતા.

સરકારે કોર્ટમાં ખાતરી આપી હતી કે કોઇપણ અધિકારી તેના ગુનામાંથી છટકી શકશે નહી. ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે કમિશનર આવો બીજો બનાવ બનવાની રાહ જોવે છે?ખંડપીઠે મોરબી દુર્ઘટનાની કમનસીબી પણ યાદ કરાવી હતી.