છોટાઉદેપુર જીલ્લાના રોજકુવાં ગામના એક 32 વર્ષીય યુવક ગરમીથી બચવા પોતાના ઘરે વાડામાં ખાટલો નાખીને સૂતો હતો. ત્યારે અચાનક જીવતો વીજ વાયર યુવક પર પડતાં કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેનાથી બચવા લોકો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. તો કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા ઘરની બહાર સૂઈ જાય છે. પરંતુ ઘરની બહાર સૂવું પણ હવે તો જોખમી બન્યું છે.
આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. છોટા ઉદેપુરના રોજકુવા ગામેથી. રોજકુવા ગામના ઢેબર ફળીયામાં રહેતા બલસિંગભાઈ સેંગલાભાઇ રાઠવાના મોટા દીકરા નિલેશભાઈ રાઠવા ઉંમર વર્ષ 32 ખૂબ ગરમીથી રાહત મેળવવા ઘરના વાડામાં ખાટલો નાખીને સૂઈ ગયા હતા. ત્યારે મળસ્કે સાડા પાંચ વાગ્યાના અરસામાં ઘરની ઉપરથી પસાર થતી વીજ લાઈનનો જીવતો વીજ વાયર તૂટીને નિલેશભાઈની છાતી તેમજ હાથના ભાગે પડ્યો હતો. જેને લઇને તેમને કરંટ લાગયો હતો, કરંટ લાગતા તેમની પત્ની સરોજબેન દોડીને ઘરની આગળના ભાગે બેસેલા યુવક નીલેશના પિતા બલસિંગભાઇને ઘટનાની જાણ કરી હતી.
કરંટ લાગ્યો હોવાની જાણ થતાં બૂમાબૂમ થઈ ગઈ હતી અને ગામના એક આગેવાને 108 ને ફોન કરીને વીજ કંપનીને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો. 108 આવી જતા યુવક નીલેશને તેજગઢ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રોજકુવ ગામે મળસ્કે વીજ કંપનીની બેદરકારીના કારણે જીવતો વીજ વાયર તૂટી પડતાં યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ત્યારે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનો અને પરિવારજનોની માંગ છે.

