Gujarat

ચાણોદ પાઠશાળાના છાત્રોના નર્મદાષ્ટકના ગાનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

ગુજરાતના કાશી કહેવાતા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે જેઠ સુદ એકમ તા. 7 જૂનથી પ્રારંભ થયેલા દસ દિવસીય ગંગા દશાહરા મહોત્સવનો લાભ લેવા રાજ્યમાથી શ્રદ્ધાળુઓ સ્નાન, પુજન અને આરતીનો લાભ લઇ કૃતાર્થ થઈ રહ્યા છે.

શનિવારે સાંજે મહોત્સવના નવમા દિવસે ચાંણોદના નર્મદા કિનારે શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો હતો. આજે ગંગા દશાહરા સમિતિના વિદ્વાન ભૂદેવોની સાથે ચાંણોદની સંસ્કૃત પાઠશાળાના પૂર્વ અને વર્તમાન 108 છાત્રો પૂજન અર્ચનમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેઓના મુખે લયબદ્ધ રીતે ષોડશોપચાર પૂજન, વેદોચ્ચાર, મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના ગાનથી વાતાવરણ ઊર્જાન્વિત બન્યું હતું.

16 જૂનને રવિવારના રોજ આ કલ્યાણકારી અને પાવનકારી ગંગા દશાહરા મહોત્સવનો અંતિમ દિન હોય હજારો મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજી અને નર્મદાજીની મહાઆરતી ના પુણ્ય પ્રસંગ બાદ મહોત્સવ વિરામ પામશે.