Gujarat

રાજકોટના વેપારીઓ, વાલીઓ, ગરીબ પરિવારોની આજીજી અને કાકલૂદી ‘અમે પરેશાન છીએ અમારું કોક તો સાંભળો’

હાય લાગશે તો હોમાઇ જશો ; રાજકોટમાં સ્કૂલવાન સંચાલકોની હડતાળના કારણે 42000 વાલી પરેશાન, સીલ કરાયેલી મિલકતના મુદ્દે 300થી વધુ વેપારીઓ પીડાઈ રહ્યા છે, જર્જરિત આવાસના મુદ્દે 700 ગરીબ પરિવાર નોધારા થઈ ગયા છે : આ તમામ પીડિતો રોજ રજૂઆત કરે છે પણ પરિણામ મળતું નથી

મનપાએ 650 સ્થળએ સીલ લગાવ્યા છે, વેપારીઓ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પણ સીલ ખોલાતા નથી.
મનપાએ 650 સ્થળએ સીલ લગાવ્યા છે, વેપારીઓ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે,
પણ સીલ ખોલાતા નથી.

રાજકોટમાં 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 નિર્દોષ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા બાદ શહેરમાં જાણે અરાજકતાનો માહોલ હોય તેવું વાતાવરણ સર્જાયું છે. વેપારીઓ પરેશાન છે, વાલીઓ પીડાઈ રહ્યા છે, જર્જરિત મકાનના મુદ્દે ગરીબ પરિવારો બેઘર થઈ ગયા છે, સ્કૂલવાન સંચાલકોની રોજીરોટીનો સવાલ છે. આ તમામ મુદ્દે શહેરના 20 ટકા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. સરકારી તંત્ર આકરી કાર્યવાહીના નામે ચરમસીમારૂપ કનડગત કરી રહ્યું છે.

શહેરમાં કોઇપણ સમસ્યા ઉપસ્થિત થાય તો તેનો ઉકેલ લાવવાની જેના પર જવાબદારી છે તે સંસદ સભ્ય, ધારાસભ્ય, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ માત્ર મધ્યસ્થીની વાતો કરે છે પરંતુ તેઓનું કઈ ઉપજતું નથી. સરકારી અધિકારીઓ શાસકો ઉપર હાવી થઈ ગયા છે અને ભોગ બની રહ્યા છે 42000થી વધુ વાલીઓ, 300થી વધુ વેપારીઓ, 700થી વધુ ગરીબ પરીવારો અને જેના મકાન સીલ થવાના છે તેમજ જેમની મિલકતો સીલ થવાની છે તેઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

સ્કૂલવાન સંચાલકોએ પણ આરટીઓમાં રજૂઆત કરી હતી કે થોડી તો રહેમ રાખો, અમારી રોજીરોટીનું શું ?

ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ મનપામાં નવા નિમાયેલા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈના આદેશથી ફાયર બ્રિગેડની ટીમે 650થી વધુ મિલકતો સીલ કરી દીધી હવે આ સીલ કરાયેલી મિલકત ખોલાવવા માટે વેપારીઓ છેલ્લા 15 દિવસથી લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠીને પણ રોજ રજૂઆતો કરી રહ્યા છે પણ તેઓને કોઇ પરિણામ મળ્યું નથી. ધંધા-રોજગાર રેઢા મૂકીને તેઓએ રોજ રાજકારણી અને સરકારી અધિકારીઓની ચેમ્બરમાં આજીજી અને કાકલૂદી કરવી પડે છે. પરંતુ તેઓને માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે તોય પરિણામ આવતું નથી.