Gujarat

તમારા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી મહિલા પાસેથી રૂ.8 લાખ પડાવ્યા

મુંબઈથી ઈરાન તમે જે પાર્સલ મોકલ્યં છે તેમાંથી 500 ગ્રામ ડ્રગ્સ મળ્યં છે. તેમાં તમારા આધારકાર્ડનો ઉપયોગ થયો છે. જેથી તમારી વિરુદ્ધ ફરિયાદ થઈ છે. તેવું કહીને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે ઓળખાણ આપી સાઈબર ગઠયાઓએ ઘાટલોડિયાની મહિલા પાસેથી રૂ.8.75 લાખ પડાવી લીધા હતા.

ઘાટલોડિયામાં રહેતા ડોલીબહેન (35) સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક ફાર્મા કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. 10 જૂને સવારે એક અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. જેમાં સામે વાળાએ પોતાની ઓળખાણ ફેડેકસ કુરિયર કંપનીમાંથી રણજીત તરીકે આપી હતી.

તેણે ડોલીબહેનને કહ્યું હતુ કે, તમારા નામથી મંબઈ અંધેરી ઈસ્ટથી ઈરાન એક પાર્સલ કુરિયર કર્યં હતું. તે કુરિયર બ્લોક થઈ ગયું છે. જો કે કંપનીનું કોઈ કુરિયર તેમના નામથી ગયુ હશે તેવું માનીને ડોલીબહેને પાર્સલ વિશે પૂછતા રણજીતે તેમને કહ્યું હતુ કે, કુરિયરમાંથી 500 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે.

આ પાર્સલ કસ્ટમમાં ફ્રીઝ થયું હોવાથી તમારી વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જેથી ડોલીબહેને કહ્યું હતુ કે મેં કુરિયરમાં કોઈ પાર્સલ મોકલ્યું જ નથી. જેથી રણજીતે કહ્યું કે તમારા આધારકાર્ડનો ઉપયોગ થયો છે. જેથી વેરિફિકેશન કરવું પડશે. જેથી આ કોલ પોલીસને ટ્રાન્સફર કરું છું, તેવું કહીને કોલ બીજા નંબર ઉપર ટ્રાન્સફર કર્યો હતો.

સામેવાળાએ પોતાની ઓળખાણ મુંબઈ અંધેરી ઈસ્ટ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે ઓળખાણ આપીને કહ્યું હતું કે, ઓનલાઈન વેરિફિકેશન માટે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વીડિયો કોલ કર્યો હતો.

થોડા સમય બાદ ડોલીબહેનના એકાઉન્ટમાં રૂ.6.70 લાખ જમા થયા બાદ ખાતામાંથી રૂ. 7 લાખ ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી ડોલીબેને તપાસ કરતા તેમના ક્રેડિટ કાર્ડથી ગઠિયાએ રૂ.6.70 લાખની લોન તેમજ તેમજ ખાતામાં રહેલા બીજા રૂ.1.75 લાખ મળીને કુલ રૂ. 8.75 લાખ ઉપાડી લીધા હતા.