Gujarat

સ્વિમિંગ પૂલમાં 10 વર્ષની બાળકીથી લઈ 70 વર્ષના વૃદ્ધા સહિત 50 મહિલાએ યોગ કર્યા

આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મનપા દ્વારા સતત છઠ્ઠા વર્ષે એક્વા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના જીજાબાઈ સ્વિમિંગ પૂલ પર 50 બહેનોએ પાણીમાં યોગ કરી આજના દિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં 10 વર્ષની દીકરીથી લઈ 70 વર્ષના વૃદ્ધાએ એક્વા યોગામાં ભાગ લઈ પાણીમાં યોગ કર્યા હતા.

આજના સમયમાં ખાસ કરી પગના, ગોઠણના, સાંધાના તેમજ કમરના દુખાવાથી પીડાતા દર્દીઓની સંખ્યા વધુ હોય છે. જેથી તેઓ જમીન ઉપર યોગ કરી શકતા નથી. પરંતુ આ દર્દીઓ યોગ પાણીમાં આસાનીથી કરી શકે છે. જેથી તેમના માટે મનપા દ્વારા ખાસ એક્વા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણીની અંદર રહી આસાનીથી યોગ કરી શકાય તે માટે એક્વા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કરવાથી શરીરને શારીરિક અને માનસિક ફાયદો થતો હોય છે.

પાણી અંદર યોગ આસાનીથી થઈ શકે છે

પાણીમાં યોગ કરનાર યુવતી પૂજા મેંદપરાએ જણાવ્યું હતું કે, છેલ્લા 9 મહિનાથી સ્વિમિંગ પૂલમાં યોગની પ્રેક્ટિસ કરું છું, પાણીમાં બોડીનું વજન લાગતું નથી એટલે દરેક આસાન આસાનીથી કરી શકીએ છીએ. જમીન પર યોગ કરતી વખતે હાથ-પગ વાળવામાં તકલીફ પડે છે જે પાણીમાં પડતી નથી.