Gujarat

રાવપુરામાં ચાર દુકાનમાં વિકરાળ આગ, ફાયરની 9 ગાડી દોડી ગઈ, અફરાતફરી મચી

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં વહેલી સવારે એક દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો.

આ બનાવને લઈ વડોદરાના તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા. આ આગ એટલી વિકરાળ બની કે, જોત જોતામાં આસપાસની દુકાનોમાં પ્રસરી હતી.

શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ટાવર ચાર રસ્તા પાસે આવેલ એક દુકાનમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઈ ફાયર વિભાગને કોલ મળતા તમામ ફાયર સ્ટેશનની 9 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો.

વડોદરા શહેરના દાંડિયાબજાર, વડીવાડી, જીઆઇડીસી, પાણીગેટ, ગાજરાવાડી સહિતની તમામ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગને લઈ આસપાસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ આગ એટલી વિકરાળ બની કે, આસપાસમાં આવેલ ચાર દુકાનને ઝપેટમાં લીધી હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને લઈ પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ તો થઈ નથી.

પરંતુ દુકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. આ આગ વહેલી સવારે લાગી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ તો મેળવ્યો છે પરંતુ હજુ પણ કુલિંગની કામગીરી ચાલી રહી છે.