અમરેલી જિલ્લામા આજે છુટીછવાઇ મેઘમહેર શરૂ રહી હતી. ખાસ કરીને ગીરકાંઠાના વિસ્તારમા સાંજે દોઢ ઇંચ જેટલો વરસાદ પડી જતા ખોડિયાર ડેમમા નવુ પાણી આવ્યું હતુ.
અમરેલી જિલ્લામા આમ તો વરસાદી માહોલ છવાયેલો છે. પરંતુ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં નથી. ધરતીને તરબતર કરી દે તેવા વરસાદની ખેડૂતોને રાહ છે. તેની વચ્ચે આજે સવારના પહોરમા જ વડીયા કુંકાવાવ પંથકમા 16મીમી વરસાદ પડી ગયો હતો. આવી જ રીતે ધારી અને સાવરકુંડલા પંથકમા પણ હળવા ઝાપટા વરસ્યા હતા.
બીજી તરફ સાંજના સમયે ગીરકાંઠાના ચાંચઇ પાણીયા, ગીગાસણ, ગોવિંદપુર વિગેરે ગામમા દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના કારણે શેત્રુજી નદીમા ફરી એકવાર પુર આવ્યું હતુ. પુરના કારણે ખોડિયાર ડેમમા આજે પણ નવા પાણીની આવક થઇ હતી અને સપાટીમા પાંચ ફુટનો વધારો થતા ડેમની સપાટી હાલમા 43 ફુટે પહોંચી ગઇ છે.

