ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને સંકુલમાં મેઘરાજાએ દસ્તક દીધી હતી. મંગળવારની રાત્રિના લગભગ 10:00 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો અને બાર વાગ્યા સુધીમાં 97 એમ એમ એટલે કે લગભગ ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અસહ્ય ગરમી અને ઉકાળટ વચ્ચે ગાંધીધામ સંકુલમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. સતત બે દિવસથી અતિશય ગરમી હતી અને મંગળવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને રાતના સમયે વરસાદ પડ્યો હતો.

જોડિયા શહેરોમાં ચાર ઇંચ વરસાદ પડ્યો અને તેના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકાની ગંભીર બેદરકારીનું પરિણામ લોકો ભોગવી રહ્યા છે, પરંતુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.
વરસાદ શરૂ થતા જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વિજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આદીપુરમાં એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. તો અમુક વિસ્તારોમાં નગરપાલિકાના ગટર પાણીની લાઇનના કામો ઉપર નાંખવામાં આવેલી માટી બેસી જતા બસ સહિતના વાહનો પણ ફસાયા હતા. સિઝનના પહેલા વરસાદે શહેરના અમુક વિસ્તારોમાં મુશ્કેલી ઉભી કરી હતી.

