Gujarat

બાવળાના ધીંગડામાં ખેતરોની પાળીઓ મોબાઇલ કંપનીએ તોડી નાંખતાં આક્રોશ

બગોદરા-ધંધુકા હાઇ-વેને સીક્સ લેન બનાવવામાં આવ્યો છે. સીકસ લેન હાઇ-વે બનાવ્યા પછી એરટેલ પ્રા.લિ.કંપનીએ બાવળા તાલુકાના ધીંગડા ગામની હાઇ-વે ની સાઇડમાં તેનાં કેબલો નાંખવા માટે ખાડાઓ કરીને લાઇનો ખોદી નાંખી છે.

જ્યારે લાઇન ખોદવામાં આવી રહી હતી ત્યારે ખેડૂતોએ લાઈન અને ખાડાઓ પુરી દેવાની વાત કરી હતી ત્યારે કંપનીનાં માણસોએ ખાડાઓ અને ખોદાણ કરેલી જગ્યાઓ પુરી દેવાની ખાત્રી આપી હતી. આમ ધીંગડા ગામનાં ખેડૂતોની જમીનની પાળીઓ તોડી નાંખીને કેબલો નાંખવામાં આવ્યા હતા.

પરંતુ ખાડાઓ, લાઈનો અને ખેતરની પાળીઓનું પુરાણ કરવામાં આવ્યું નથી. હાલ ચોમાસું બેસી ગયું છે અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે. જેથી ખેડૂતોની જમીનની પાળીઓ તોડી નાંખી હોવાથી ખેતરમાંથી પાણી બહાર નીકળી જવાનો ભય સતાવી રહ્યો છે.

આમ ખેતરોમાં પાણીનો સંગ્રહ થશે નહીં. જેથી ખેડૂતોમાં કંપની ઉપર ભારે આક્રોંશ જોવા મળી રહ્યો છે. અહીંના ખેડૂતો ઇચ્છી રહ્યા છે કે કંપની દ્વારા તાત્કાલીક જમીનની પાળીઓનું પુરાણ કરવામાં આવે જેથી ખેડુતો ચોમાસું પાક કરી શકે.