Gujarat

રિલાયન્સનો શેર ઐતિહાસિક ઊંચાઈએ; ભારતીય શેરબજારમાં પ્રથમ લિસ્ટેડ કંપની છે જેની માર્કેટ મૂડી રૂ. ૨૧ લાખ કરોડને પાર

દેશમાં એક તરફ જ્યારે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ દ્વારા ગુરુવારે મોબાઈલ ટેરિફ વધારવાના ર્નિણયને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજના સત્રમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સનો શેર ઐતિહાસિક ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે અને તે ભારતીય શેરબજારમાં પ્રથમ લિસ્ટેડ કંપની બની છે જેની માર્કેટ મૂડી રૂ. ૨૧ લાખ કરોડને પાર કરી ગઈ છે.

મોબાઈલ ટેરિફ હાઈકના સમાચાર પછી, શુક્રવાર, ૨૮ જૂન, ૨૦૨૪ના રોજ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો સ્ટોક રૂ. ૩૦૬૦.૯૫ પર ખૂલ્યો હતો અને થોડી જ વારમાં શેર ૩ ટકાથી વધુ વધીને રૂ. ૩૧૬૧.૪૫ પર પહોંચી ગયો હતો, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. સ્ટોક છે. શેરમાં આ ઉછાળા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડી વધીને રૂ. ૨૧.૩૫ લાખ કરોડથી ઉપર પહોંચી ગઈ છે.

Reliance Jio Infocomm એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે અને તે હજુ સુધી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ નથી. રિલાયન્સ જિયો દ્વારા ટેરિફ વધારવાના ર્નિણયની રિલાયન્સની બેલેન્સ શીટ પર શું અસર થશે તે ઓક્ટોબર મહિનામાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયા બાદ જાણી શકાશે. જો કે, ઘણા બજાર નિષ્ણાતો લાંબા સમયથી રિલાયન્સ જિયોના આઈપીઓના આગમનની આગાહી કરી રહ્યા છે જેથી વેલ્યુ અનલોકિંગ થઈ શકે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર માટે જૂન મહિનો સારો રહ્યો છે. આ મહિને શેરે ૮.૪ ટકા વળતર આપ્યું છે પરંતુ આ ઉછાળો મહિનાના છેલ્લા સપ્તાહમાં જ આવ્યો છે. રિલાયન્સ જિયોએ પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફ ૧૨.૫૦ થી વધારીને ૨૫ ટકા કર્યા છે. ઘણા બ્રોકરેજ હાઉસે ટેલિકોમ ટેરિફમાં વધારાને અપેક્ષા મુજબનું ગણાવ્યું છે. વૈશ્વિક બ્રોકરેજ હાઉસ જેફરીઝે રિલાયન્સના શેરની લક્ષ્ય કિંમત વધારીને રૂ. ૩૫૮૦ કરી છે.UBSએ રૂ. ૩૪૨૦ અને નુવામાએ રૂ. ૩૫૦૦નો ટાર્ગેટ આપ્યો છે.