16 વર્ષ, 9 મહિના અને 5 દિવસ પછી, ભારતે T20 વર્લ્ડ કપ જીતવાની રાહનો અંત આણ્યો. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ સામે કેપ્ટન રોહિત શર્માની આક્રમક ફિફ્ટી અને વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ ફાઈનલ પર્ફોર્મન્સના કારણે આ શક્ય બન્યું હતું.
રોહિત-વિરાટની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓનું પણ પર્ફોર્મન્સ મહત્વનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ ખેલાડીઓએ ભારતની વર્લ્ડ કપની ભૂખ પૂરી થતા જ T20માંથી નિવૃત્તિ લઈ લીધી. તેથી, ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેમની મહાન સફરને જાણવી મહત્વપૂર્ણ બની ગઈ છે.
વિરાટ કોહલી
‘આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો, અમે આ જ હાંસલ કરવા માગતા હતા. શાનદાર ગેમ. રોહિત સાથે ઓપનિંગ કરવા જતી વખતે મેં તેને કહ્યું હતું કે, કેટલાક દિવસો તમને એવું લાગે છે કે હવે રન નહીં બને, પછી તમે બેટિંગ કરવા જાઓ અને રન આવવા લાગે. ભગવાન મહાન છે, હું આભારી છું કે જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે હું પ્રદર્શન કરી શક્યો.
દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં ભારતે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વિરાટે ઇનિંગ સંભાળી અને 76 રન બનાવી ભારતને સારા સ્કોર સુધી પહોંચાડી દીધું.
વિરાટે આગળ કહ્યું, ‘આ મારી છેલ્લી T20 મેચ હતી. આ અમારું સપનું હતું, અમે ICC ટૂર્નામેન્ટ જીતવા માગતા હતા, અમે કપ ઉપાડવા માગતા હતા. મેં પરિસ્થિતિનું સન્માન કર્યું, ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે પ્રમાણે રમ્યો. સાચું કહું તો, હું વિશ્વાસ કરી શકતો નથી કે તે કેવી રીતે થયું, હું ટૂર્નામેન્ટમાં જેટલો ખરાબ હતો, હું ફાઇનલમાં પ્રદર્શન કરીને ખુશ છું.