અમેરિકાના ન્યૂયોર્કમાં આ વર્ષે ૧૮ ઓગસ્ટે યોજાનારી ઈન્ડિયા ડે પરેડ દરમિયાન અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ પણ પ્રદશિર્ત કરવામાં આવશે, જેમાં શહેર અને તેની આસપાસના હજારો ભારતીય-અમેરિકનો ભાગ લેશે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકા (વીએચપી) ના મહાસચિવ અમિતાભ મિત્તલે કહ્યું કે રામ મંદિરની પ્રતિકૃતિ ૧૮ ફૂટ લાંબી, નવ ફૂટ પહોળી અને આઠ ફૂટ ઊંચી હશે.
આ પ્રથમ વખત બનશે જ્યારે અમેરિકામાં રામ મંદિરની પ્રતિકૃતિ પ્રદશિર્ત કરવામાં આવશે. ન્યૂયોર્કમાં ર્વાષિક ઈન્ડિયા ડે પરેડ એ ભારતની બહાર ભારતના સ્વતંત્રતા દિવસની સૌથી મોટી ઉજવણી છે. ૧૫૦,૦૦૦ થી વધુ લોકો સામાન્ય રીતે ર્વાષિક પરેડ જુએ છે, જે મિડટાઉન ન્યૂ યોર્કમાં પૂર્વ ૩૮મી સ્ટ્રીટથી પૂર્વ ૨૭મી સ્ટ્રીટ સુધી ચાલે છે. ન્યુયોર્કમાં ઈન્ડિયા ડે પરેડનું આયોજન ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન (એફઆઈએ) દ્વારા કરવામાં આવે છે.
પરેડમાં વિવિધ ભારતીય અમેરિકન સમુદાયો અને સંસ્કૃતિની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા ડઝનબંધ ફ્લોટ્સ છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશનની વેબસાઈટ અનુસાર, ઉપસ્થિત લોકો ઈવેન્ટ દરમિયાન ભારતીય ધ્વજ આધારિત ઉત્સવો, ભોજન, સંગીત અને નૃત્યનો આનંદ માણે છે. તમને જણાવી દઈએ કે વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકાએ હાલમાં જ રામ મંદિર રથયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં ૬૦ દિવસમાં ૪૮ રાજ્યોના ૮૫૧ મંદિરોના દર્શન કરવામાં આવ્યા હતા.