Gujarat

ગળતેશ્વરના સેવાલીયાના સુરદાસ યુવાને UPના કાનપુરમાં ડંકો વગાડ્યો, ‘‌સ્ટેજ-શો’ની અંદર ‘રણછોડરાય’ના કેરેક્ટર પર સાડા ત્રણ મીનીટ પરફોર્મન્સ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

‘જેના આંખના દીવડા બૂઝાઈ ગયા છે એ સકલાઓને પણ પ્રેરણા આપી જાય છે’ આ ઉક્તિ ગળતેશ્વરના સેવાલીયાના પ્રજ્ઞાચક્ષુ યુવકે સાર્થક કરી બતાવી છે. 35 વર્ષિય પ્રજ્ઞાહિન યુવકે પોતાની જન્મજાતથી બંને આંખો ગુમાવી હતી અને દ્રષ્ટિહિન બન્યા હતા. જોકે હિંમત હાર્યા વગર અનેક સંઘર્ષો પાર કરી આ યુવાને પોતાની ઝળહળીતી સિદ્ધિને પ્રાપ્ત કરી છે. આ સુરદાસ યુવાને UPના કાનપુર ખાતે યોજાયેલ ‘‌સ્ટેજ-શો’ની અંદર ‘રણછોડરાય’ના કેરેક્ટર પર સાડા ત્રણ મીનીટ સુધી પરફોર્મન્સ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા છે અને યુવાનને પુરસ્કાર સાથે સર્ટિફિકેટ ટ્રોફીથી સન્માનિત કરાયા છે.

પહેલેથી જ નૃત્ય, ભરત નાટ્યમ, કથ્થકમા નિપુણતા કેળવી
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ખાતે સોલાબા હોસ્પિટલ પાસે તુષાર (પીન્ટુ) શંકરભાઈ વર્મા (ઉ.વ.35) રહે છે. તેઓ પોતે જન્મથી દ્રષ્ટિહિન છે. તુષાર (પીન્ટુ) પોતે થર્મલની ખાનગી શાળામાં ડાન્સ ટીચર તરીકે નોકરી કરે છે. તેમના મોટાભાઈ પણ પ્રજ્ઞાચક્ષુ છે. તુષાર (પીન્ટુ) પોતાના મોટાભાઈ અને માતા સાથે ઉપરોક્ત ઠેકાણે રહે છે. તુષાર (પીન્ટુ) વર્મા પોતે દિવ્યાંગ હોવા છતાં તેમણે પોતાની દિવ્યાંગતાને હરાવી સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. તેઓ પહેલેથી જ નૃત્ય, ભરત નાટ્યમ, કથ્થકમા નિપુણતા કેળવી હતી.

દિવ્યાંગોની વિવિધ કેટેગરીમાં સંપૂર્ણ બ્લાઈન્ડ ફક્ત એક જ આ તુષાર વર્મા હતા
તાજેતરમાં તુષાર (પીન્ટુ) વર્માએ હુન્નર ફેશન દિવ્યાંગ બેલેન્સ સ્ટેજ-શો જે ઉત્તરપ્રદેશના કાનપુરમાં યોજાઈ ગયો હતો. તેમાં ભાગ લીધો હતો. જેમાં દિવ્યાંગોની વિવિધ કેટેગરીમાં સંપૂર્ણ બ્લાઈન્ડ ફક્ત એક જ આ તુષાર (પીન્ટુ) વર્મા હતા. 12 અને 13 જુલાઈ 2024ના રોજ યોજયેલ આ સ્ટેજ-શોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ દિવ્યાંગોએ ભાગ લીધો હતો. દિવ્યાંગ સોસાયટી ચેરીટેબલ ટ્રસ્ટ કાનપુર દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજગોર સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ વખતે આયોજકો દ્વારા પરફોર્મન્સ કરનાર તુષાર (પીન્ટુ) વર્માને ગિફ્ટ-પુરસ્કાર સર્ટિફિકેટ, ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રી દ્વારા બેસ્ટ નૃત્યકાર એવોર્ડ દ્વારા માસ્ટર તુષાર (પીન્ટુ) વર્માનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું.

કાનપુર રાજપાલ ભવનમાં 1 હજારથી ખીચોખીચ જનમેદની વચ્ચે નૃત્ય કર્યું : પ્રજ્ઞાચક્ષુ યુવક
દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તુષાર (પીન્ટુ) વર્માએ જણાવ્યું કે, મને ગર્વ છે કે મે આ સિદ્ધિ હાંસલ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, ખેડા જિલ્લામાંથી ફક્ત મે એકલા જ ભાગ લીધો હતો. હું પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કાનપુર રાજપાલ ભવનમાં 1 હજારથી ખીચોખીચ જનમેદની વચ્ચે ‘રણછોડરાય’ના કેરેક્ટરમાં સાડા ત્રણ મીનીટ સુધી ‘ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો’ના સોંગ પર વાંસળી, કથ્થક, ભારત નાટ્યમના કમ્બાઈન સાથે નૃત્ય કર્યું હતું. અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.