Gujarat

નાદોદી ભાગોળથી તિલકવાડા રોડ નર્મદા કેનાલ સુધી થતું વેઠઉતાર કામ

ડભોઇના નાદોદી ભાગોળથી તિલકવાડા રોડ નર્મદા કેનાલ સુધીના માર્ગ પર હાલમાં રોડની બંને સાઈડ વરસાદી કાંસ (ગટર) બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં સ્ટેટ હાઇવે વિભાગ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ જાતના ટેકનિકલ લેવલિંગ વગર થઈ રહેલા આડેધડ કામથી ચોમાસામાં રોડ પર પાણી ભરાવાની અને કરોડો રૂપિયાનો ધુમાડો થવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા રોડના સ્તર લેવલને ધ્યાનમાં રાખ્યા વગર જ વરસાદી કાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ વરસાદી કાંસ રોડના લેવલ કરતાં પણ ઊંચી બનાવી દેવાઇ છે! જો કાંસ જ રોડ કરતાં ઊંચી હશે, તો રોડ પરનું વરસાદી પાણી કાંસમાં કેવી રીતે જશે. આ ટેકનિકલ ખામીના કારણે આગામી સમયમાં રોડ બેટમાં ફેરવાઈ જશે અને વાહનચાલકો તેમજ સ્થાનિકો માટે ભારે મુશ્કેલી ઊભી થશે. સરકાર જનતાની સુવિધા માટે લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે, પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી લાખો રૂપિયા સીધા પાણીમાં જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

અધિકારીઓની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને અત્યંત તકલાદી નબળી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોની માંગ છે કે સ્ટેટ હાઇવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરે અને કાંસનું લેવલ રોડ કરતાં નીચું કરાવે જેથી પાણીનો યોગ્ય ભરાવો ન થાય અને નિકાલ થઈ શકે.

પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નહીં, કરોડો રૂપિયા પાણીમાં ડભોઇમાં આડેધડ થતી કાંસની કામગીરીમાં માત્ર દીવાલો ચણી દેવામાં આવી છે. પરંતુ એકત્રિત થનાર પાણીનો અંતિમ નિકાલ ક્યાં અને કેવી રીતે કરાશે, તેની કોઈ ચોક્કસ યોજના કે વ્યવસ્થા દેખાતી નથી. આ અગાઉ નાંદોદી ભાગોળથી વેગા સુધી પાણીના નિકાલ માટે રોડની બંને સાઇડ પર કાંસ બનાવાઇ હતી.