દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો છે. જેમાં મહત્વની અને ઐતિહાસિક બાબતો એ છે કે ખંભાળિયા પંથક તેમજ નજીકના ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત દોઢથી બે કલાક સુધી ભયાવહ વીજળીના ગગડાટ અને ચમકારાથી સર્વત્ર ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
આ વચ્ચે કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ સાડા ઈંચ ઇંચ અને ભાણવડ, ખંભાળિયામાં ચાર-ચાર તથા દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો પામી છે. વીજળીના કારણે વ્યાપક નુકસાનીના અહેવાલો પણ મળી રહ્યા છે.

કલ્યાણપુર પંથકના છેલ્લા બે દિવસથી વરસાદે અનેક સ્થળોએ જાણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ભારે ઉકળાટ બાદ ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતના ગામોમાં બેથી ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ખેતરો પાણીથી તરબતર બન્યા હતા. ભાટિયા ગામના બસ સ્ટેશન ચોક, રેલવે સ્ટેશન રોડ, મેઈન બજાર સહિતના માર્ગો પર નદી જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

આ ઉપરાંત તાલુકાના બાંકોડી, દુધિયા, દેવળીયા, વિગેરે ગામોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદના પગલે વાહન ચાલકો તથા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આમ, કલ્યાણપુરમાં ગઈકાલે દિવસ દરમિયાન 32 મી.મી. તેમજ ગત રાત્રે 12થી 6 આજે સવારે 6 વાગ્યા સુધીનો સમયગાળા દરમિયાન સાંબેલાધારે સાત ઈંચ (176 મી.મી.) પાણી વરસી ગયું હતું. આમ, ગઈકાલે સવારે 10થી આજે સવારે 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આશરે સાડા 11 ઈંચ (285 મી.મી.) પાણી વરસી જવા પામ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં કુલ સાડા 29 ઈંચ (735 મી.મી.) વરસાદ વરસ્યો હતો.

