Gujarat

મોહરમ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ- મુસ્લિમ એકતા સભાનું આયોજન

મોહરમ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ- મુસ્લિમ એકતા સભાનું આયોજન

તા.૧૭-૭-૨૦૨૪ ના રોજ વિસાવદર શહેરમાં હુસેની ચોકમાં મોહરમ પ્રસંગે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ, મુસ્લિમ એકતા સભાનું આયોજન કરવામાં આવ્યું.
એકતા સભામાં ઉપસ્થિત સંતો પૂ. કરસનદાસબાપુ (ગાદીપતિ પરબધામ), પૂ.ગોવિંદબાપુ (મહંત રામેશ્વર આશ્રમ સતાધાર), શ્રી હર્ષદભાઈ રીબડીયા (પૂર્વ ધારાસભ્ય), ભુપતભાઈ ભાયાણી (પૂર્વ ધારાસભ્ય), શાંતિભાઈ ગણાત્રા પ્રમુખ રઘુવંશી સમાજ), ગફારભાઈ ભોર (પૂર્વ સેક્રેટરી ન.પા.વિસાવદર), સિરાજભાઈ માડકિયા (એડવોકેટશ્રી), સી.વી.જોશી (વરિષ્ઠ પત્રકાર વિસાવદર), કે.ડી.કામદાર (અગ્રણી), પત્રકાર મિત્રો કૌશિકપુરી ગૌસ્વામી, મુકેશભાઈ રીબડીયા, શહેરની જુદી જુદી સંસ્થાના હોદ્દેદારો, રાજકીય અગ્રણીઓ, વ્હોરા સમાજના શ્રેષ્ઠિઓ, આમંત્રિત મહેમાનો, મુસ્લિમ બિરાદરો, ભાઈઓ, બહેનો તથા બાલદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
સૌ પ્રથમ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ નાસિરભાઈ મેતર એ સૌને શબ્દોથી આવકારી આમંત્રિત તમામને પુષ્પમાળા સાથે શાલ ઓઢાડી સન્માનિત કરેલ.બાદ સમાજના મોલવી તનવીર મુક્તિ એ ઉપસ્થિત જનમેદનીને શહિદ ઈમામ હુસેન તથા તેમની સાથે શહિદ થયેલા સાથીઓને યાદ કરી ઇમામ હુસેને આપેલો શાંતિ અને એકતાનો સંદેશો સર્વ સમાજમાં સ્થપાય તેવો અનુરોધ કરેલ. વધુમાં હિંદુ, મુસ્લિમ એકતા સાથે ભાઈચારાના સંબંધો સાથે, એકબીજાએ ખભે ખભા મિલાવી તમામ સમાજની સુરક્ષા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા.
બાદ ઢોલના નાદ સાથે બાળકથી લઈ મોટાઓએ ઇમામ હુસેનના સ્મરણ સાથે શરીરના અંગો પર હેરત ભર્યા પ્રયોગો કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધેલ. સારા પર્વ દરમિયાન તમામ મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી દુવાઓની યાચના કરેલ.
કોમી એકતા સભાનું સફળ સંચાલન બોદુભાઈ પેઇન્ટર તથા રમણીકભાઈ દુધાત્રા એ કરેલ. બાદ રાત્રી સેશનમાં તાજીયાઓનું જુલુસ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરેલ. રૂટ દરમિયાન ઠેક ઠેકાણે સેવાના ભાવ સાથે શરબત, ઠંડા પીણા, આઈસ્ક્રીમના સ્ટોલ રાખવામાં આવેલ. સમગ્ર પર્વ દરમિયાન વિસાવદર શહેરના બંને જાંબાજ પી.એસ.આઇ. મેડમ એસ.આઇ.સુમરા તથા આર.ડી.રોહિત એ પોલીસ જવાનો સાથે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક નિયમન જાળવેલ. છેલ્લે કબ્રસ્તાન ઉપર સુશોભિત કરેલા તાજીયાઓ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવેલ.જ્યાં મુસ્લિમ બિરાદરોએ વર્ષ દરમિયાન થયેલી ભૂલોનો એકરાર કરી એકબીજાને મળી ક્ષમા યાચના કરેલ.

સી. વી. જોશી. વિસાવદર

IMG-20240719-WA0014-3.jpg IMG-20240719-WA0016-2.jpg IMG-20240719-WA0017-1.jpg IMG-20240719-WA0015-0.jpg