આદિજાતિ વિભાગ સંચાલિત પુનિયાવાંટ મોડેલ સ્કૂલમાં એક સપ્તાહ પહેલા એકીસાથે ૧૦૦ થી વધુ બાળકો બીમાર પડયા હતા. જો કે મોટાભાગના બાળકોને સામાન્ય તાવ અને માથાના દુખાવાની ફરિયાદ હતી પરંતુ તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન દ્વારા બાળકોને સરકારી દવાખાનાઓમાં દાખલ કરી સારવાર હાથ ધરી હતી સાથે અન્ય બાળકોનું મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનિગ કરવામાં આવી હતી.
સદર બાબતે રાજકીય નેતાઓ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા, કોંગ્રેસે ફૂડ પોઈઝનીગના આરોપો લગાવ્યા તો આજે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર અને સાંસદ જસુભાઈ રાઠવા, ધરાસભ્ય જયંતીભાઈ રાઠવાએ શાળા કેમ્પસની મુલાકાત કરી નિરીક્ષણ કરી પ્રયોજના અધિકારીને જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં આરોગ્ય અધિકારી સાથે બાળકોના મેડિકલ રિપોર્ટ્સ અંગે ચર્ચા કરી બાળકોને તબિયત ખરાબ થવા પાછળ વાયરલ ઈન્ફેક્શન હોવાનું અનુમાન લગાવ્યો છે જો કે ફૂડ અને ડ્રગ્સ વિભાગના અને અન્ય મેડિકલ રિપોર્ટ્સ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. હાલ તો તમામ બાળકો સ્વસ્થ થઈ જતાં મંત્રીએ રાહત સાથે ખુશી વ્યક્ત કરી હતી.

