લોકો આજે તેને એન્જિનિયરના નામે ઓળખે છે. ગરીબ પરિવારના ખેડૂત પુત્રએ આજે વેસ્ટ માંથી બેસ્ટ ટ્રેકટર બનાવી આજે પોતાના પરિવારના ગુજરાન માટે સહારો બન્યો છે.

છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગુડા ગામનો ધોરણ સાત ભણેલ યુવકને ગામ અને આસપાસમાં લોકોએ તેને એન્જિનિયર તરીકે હવે ઓળખી રહ્યા છે. તે જાણવા અમારી ટીમ ગુડા ગામે પહોંચી તો જાણવા મળ્યું કે નંદુ નામનો યુવકનું ગરીબ પરિવાર કાચા જૂપડામાં રહે છે. પણ પરિવારના લોકોમાં સ્મિત જોવાઇ રહ્યું છે. એક વિંગાથી પણ ઓછી જમીન ધરાવતા ધરના સાત સભ્યોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. માં બાપ બીજાના ખેતરમા મજૂરી કરતા હતા. તો એક ભાઈ અન્ય જગ્યાએ મજૂરી અર્થે જતો રહ્યો હતો. પણ હવે તેમની આર્થિક સ્થતિમાં થોડો ઘણો સુધારો આવ્યો છે. અને કોઈની પણ મદદ વગર આજે પોતે પગભર થયો છે.

નંદુ ને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેને ચિંતા હતી. કે તે પોતાના માં બાપ અને પરિવારના ગુજરાન માટે શું કરી શકે ? તેના પાસે એવી મુંડી પણ ન હતી કે તે કોઈ ધંધો કરી શકે. જે થોડી ગણી ખેતી હતી. તેમાંથી ખાસ આવક થતી ન હતી. તે બળદ કે ટ્રેકટર લાવી શકે તેવી સ્થતિ મા ન હતા. પણ તેની પાસે કુદરતે આપેલ તેજ દિમાગ હતું. તે વિચારી રહ્યો હતો. કે કઈક તો કરવું જોઈએ કે પરિવારના આંસુ તે લૂછી શકે. તેની નજર પડી તેની ભંગાર થયેલ બાઇક પર તેને વિચાર્યું કે આ બાઇકને એસંબલ કરી ટ્રેકટર બનાવે. બસ આ વિચારી તેણે કામગીરી શરું કરી જરૂરિયાત પ્રમાણે તે ભંગાર માંથી જરૂરિયાત વાળી વસ્તુઓ લાવવા લાગ્યો. બાઇક માંથી ટ્રેકટર બનાવવું આશન ન હતું, પણ તેને એક ધ્યેય કરેલ જેથી તે કામગીરીમાં લાગી ગયો. બાઇકમાં રિવર્સ ગિયર હોતો નથી, પણ તેને અલગ ગેર બોક્સ લગાવી રિવર્સ જતું કર્યું. રેડિયેટરની જગ્યાએ અલગથી ફેન લગાવ્યો. અને ખેતીકામ ના ખેડાણ માટે તેને કલટી પણ લગાવી. છ મહિનાની મહેનત બાદ આજે ટ્રેકટર તૈયાર થઈ ગયું છે. અને તે હવે પોતાના ખેતરમાં તે ઉપયોગમાં લઇ શકે છે. ખાસ વાત એ છે કે જ્યાં મોટું ટ્રેકટર ખેતરમાં લઈ જવું મુશ્કેલ બને ત્યાં આ ટ્રેકટર જઈ શકે છે.આસપાસના ખેડૂતો તેને ખેડાણ અને ખેતી કામ માટે બોલાવી રહ્યા છે. જેથી તેને સારી એવી આવક મળી રહી છે.
જ્યારે પણ ટ્રેકટર લઇ નીકળતા આ નંદુને લોકો ગર્વથી નિહાળે છે. અને તેની કામગીરીને બિરદાવે પણ છે. ગામના લોકોનું કહેવું છે કે જો ખેતી માટે બે બળદ લાવવા હોઇ તો 70 હજારથી વધુનો ખર્ચ અને ને બળદોનો ઘાસ ચરાનો વાર્ષિક ખર્ચ 50 હજાર થાય છે. પણ નંદુ એ લગભગ 30 – 35 હજારમાં તૈયાર કરેલ ટ્રેકટરથી તેને એક વખત ખર્ચ કર્યો જેને લઇ હવે તે આવક પણ મેળવી રહ્યો છે. અને અન્ય ખર્ચથી તેને છુટકારો પણ મળ્યો છે.ગામના લોકો તેનાં કામના વખાણ તો કરી રહ્યા છે. સાથો સાથ એ પણ ઇચ્છી રહ્યા છે. કે જો સરકાર કે એનજીઓ તેને મદદ કરે તો આ નંદુ દેશ માટે કંઈક કરી બતાવે તેવું કુદરતે તેને દિમાગ આપ્યું છે.

