યાત્રાધામ દ્વારકામાં અનરાધાર વરસાદ ખાબકતા અનેક નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો મુસ્કેલીમાં મુકાયા હતા. વરસાદી વિરામ બાદ તંત્ર દ્વારા પંપની મદદથી પાણી નિકાલ માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી.
દ્વારકાના રૂપેણ બંદરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. રૂપેણબંદરમાં મકાનો તથા ઝુંપડાઓમાં પાણી ઘુસી ગયા હતા, ઘરોમાં પાણી ઘુસી જવાથી ખાણીપીણીની ચીજવસ્તુઓ, કપડાં અને કિંમતી સામાન વરસાદી પાણીમાં ગરકાવ થયો છે, રૂપેણ બંદરમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે,હાલ માછીમારીની સિઝન બંધ હોવાને કારણે લોકોના જીવ પડીકે બંધાયા છે.
સીઝન બંધ થતા માછીમારો ધંધોરોજગાર બંધ થતા 2 કે 3 મહિના ચાલી શકે તેટલો રાશન ઘરોમાં રાખતા હોય છે. પરંતુ અતીભારે વરસાદને કારણે મોટા ભાગના લોકોના ઘરોમાં રાખેલું રાશન પલળી જવાના કારણે મોટું નુકસાન થયું છે, રૂપેણ બંદરના ઘણા વિસ્તારો જેવા, છાપરા બજાર, શાંતિનગર, સરકારી શાળાની આસપાસના અનેક ઘરોમાં પાણી જમા થયા છે.

