— સરકારના ત્રણ મહત્વના રેલ્વે કોડીડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટોને લઈને વરસાદી પાણી ખેતરોમાં ભરાતા પાકનો ખાત્મો
— હવે આને માનવ સર્જીત અાફત ગણાશે કે કુદરતી આફતમાં ખપાવી દેવાશે ?
ભરૂચ જીલ્લા સહીત અન્ય તાલુકાઓમાં મેઘમહેરથી ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હોય તેમ જળબંબાકારની સ્થિતિ વચ્ચે સરકારના મહત્વના પ્રોજેક્ટ નિર્માણ પામતા જ રેલ્વે કોડીડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વેના કારણે કામગીરી તો સંપૂર્ણ થઈ પરંતુ ખેતરો અને ગામોમાંથી પાણીના નિકાલ માટે વેઠ ઉતારવામાં આવતા વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતોની મહામૂલી ખેતી ફરી એકવાર નિષ્ફળ જતાં ખેડૂતોએ ચોમાસામાં પણ નિરાશ થવાનો વારો આવી ગયો છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના બાયપાસ ચોકડીથી જંબુસર તરફ જવાના માર્ગ ઉપર રેલ્વે કોડીડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે તૈયાર કરવામાં આવી રહેલ છે અને આ ત્રણેય પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ ગયા છે. એકપ્રેસ-વે શરૂ પણ થઈ ગયો છે.
રેલ્વે કોડીડોર પણ ધમધમી રહ્યો છે. સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આગળ વધી રહ્યો છે. પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટના નિર્માણકાર્ય દરમ્યાન ખેડૂતોના ખેતરોમાં તથા અન્ય ગામોમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં વેઠ ઉતારવામાં આવતા સમગ્ર પંથકમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી કમરસમા અને ઘૂંટણસમા ભરાઈ જતાં ફરીવાર ખેડૂતો ખેતીમાં નિષ્ફળતા ખમી રહ્યા છે. થયેલી ખુશનુમા જણાતી ખેતી પણ હવે નષ્ટ થઈ છે. જેના કારણે સરકારના પ્રોજેક્ટ સામે ખેડૂતો ખેતીથી લાચાર બની ગયા છે અને પોતાના ખેતરોમાં ભરાયેલા પાણી ક્યારે બહાર નીકળશે તેવી ચિંતામાં જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સરકારના મહત્વના ત્રણ રેલ્વે કોડીડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે પ્રોજેકટો સાથે આ વિસ્તારમાં ભૂખી ખાડી સહિત અન્ય ખાડીના પાણી નાળાઓ મારફતે સંખ્યાબંધ ખેતરો અને ગામોમાં ફરી વળ્યા છે. અને નાળામાંથી પસાર થતાં પાણી નાકામા કચરાના ઢગલાના કારણે પણ પાણીનો નિકાલ ન થતાં અને હજુ વધુ વરસાદ પડે તો નાળાઓના ઉપરથી પાણી પસાર થાય તેવો ભય પણ ઊભો થયો છે અને ઊંચાણ વાળા ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય તેવી નોબત આવી ગઈ છે.