Gujarat

જંબુસર-આમોદ વચ્ચે ઢાઢર નદીમાં એક યુવકે પાણીમાં છલાંગ લગાવી, પાણીમાં તણાતા SDRFને જાણ કરી

ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદીમાં એક વ્યક્તિએ કોઈક અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી. જેના પ્રવાહમાં તે વ્યક્તિ તણાઈ જતા આમોદ પોલીસ દોડી આવીને તેને શોધવાની કવાયત આદરી હતી.

ભરુચ જિલ્લામાં બુધવારે પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી-નાળાઓમાં પાણી આવક થતા છલકાઈ ઉઠ્યા છે. જેના પગલે ગુરૂવારે સવારના 10.30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વ્યક્તિ એ ઢાઢર નદીના ધસમસતા પ્રવાહમાં સીધી મોતની છલાંગ લગાવી હતી. આ વખતે નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય તે તણાવા લાગ્યો હતો. જેને ત્યાંથી પસાર થતા લોકોએ જોઈ લેતા બુમાબુમ કરી મૂકી હતી. ત્યાંથી પસાર થતા અન્ય લોકોને પણ જાણ થતાં જ ઢાઢર નદીના બ્રિજ પર મોટી સંખ્યામાં લોક ટોળાં ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ કોઈએ આમોદ પોલીસ મથકમાં કરતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે નદીમાં કૂદેલા વ્યક્તિને શોધવાની કવાયત હાથ ધરી હતી. આ બાબતે PSI રાજેન્દ્રસિંહ અસવાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને જાણ થતાં અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ હોય ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ અને SDRFની ટીમને પણ જાણ કરાઈ છે. જોકે તે વ્યક્તિ કોણ હતો તે હજી જાણી શકાયું નથી.