Gujarat

વડોદરાના પીલોલ ગામે વિશ્વામિત્રીના ધસમસતા પાણીમાં યુવક ફસાયો, ગામના જ 4 લોકોએ જીવ જોખમમાં મૂકી બચાવ્યો

ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગામમાં નદીના ધસમસતા પાણીમાં ફસાયેલા યુવાને ગ્રામજનોએ ભેગા મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગામના કેટલાક યુવાનો પોતાના જીવ જોખમમાં મૂકીને યુવાનને બચાવતા જોવા મળે છે.

પાણીમાં ફસાતા યુવક ગામના પ્રવેશદ્વાર પર ચઢ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું પીલોલ ગામ વિશ્વામિત્ર નદીના પાણીથી ઘેરાઈ ગયું છે. પીલોલ ગામની ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા છે. પીલોલ ગામમાં અચાનક આવી ગયેલા વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણીના કારણે ગામનો એક યુવાન પાણીમાં ફસાઈ ગયો હતો અને પાણીથી બચવા માટે ગામના પ્રવેશદ્વાર ઉપર ચડી ગયો હતો. યુવાનને ફસાયેલો જોઈને ગામ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા અને યુવાન પણ પોતાને બચાવવા માટે મદદની ગુહર લગાવી રહ્યો હતો.