વાગરા તાલુકામાં આવેલા કોઠીયા ગામમાં વરસાદી માહોલમાં સાયખા GIDC માં આવેલી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમીકલ યુક્ત પાણીના ખેડૂતોના ખેતરો અને ગામમાં તળાવમાં ભળતા ગ્રામજનો માં આક્રોશ ફેલાયો છે.આ મામલે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી.
ભરૂચ જિલ્લામાં 24મી જુલાઈના રોજ વરસેલા મુશળધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારો પણ પાણી ભરાવાના કારણે બેટમાં ફેરવાઈ ગયા હતા.ત્યારે આવા વરસાદી મહોલનો લાભ લઈને અનેક કંપનીઓવાળા ગંદુ અને દૂષિત કેમીકલવાળું પાણી નદી નાળામાં છોડી દેતા હોવાનું અગાઉ અનેક બુમો ઉઠી છે.ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાયખા GIDC માં અનેક કંપનીઓ આવેલી છે આ GIDC માંથી વરસાદી માહોલમાં કેમીકલવાળું પાણી છોડવામાં આવતા આ પાણી કોઠીયા ગામ તળાવ અને આસપાસના ખેડૂતોના ખેતરોમાં ભરાતા મહામૂલી ફળદ્રુપ જમીનોને નુકશાન થઈ રહ્યું છે.જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

જ્યારે આ પાણી ગામના તળાવમાં પણ ભળતા અંદર રહેતા જળજીવો અને ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાયો છે.આ મામલે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનોએ અનેક વખતે GPCB માં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોય અધિકારીઓ આવીને પાણીના નુમના લઈ જાય છે પણ તે બાબતે કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી સાથે તળાવમાંથી કેમીકલવાળું પાણી પણ કાઢી આપવા માટે કહ્યું હતું તે પણ કામગીરી હજી સુધી કરવામાં આવી નથી.આજે આ પાણી કોઠીયા,સડથલા થઈને ખોજબલ ગામ સુધી પહોંચ્યા છે.
આ સાથે કંપનીઓ દ્વારા સાંજના સમયે ગેસ પણ છોડવામા આવતા પર્યાવરણને પણ નુકશાન પહોંચી રહ્યું છે.
આ મામલે આજ રોજ મોટી સંખ્યામાં કોઠીયા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર આપીને આ મમાલે યોગ્ય કાર્યવાહી કરી આ ગામના ખેડૂતોના ખેતરોમાં થયેલા નુકશાનનો સર્વે કરી નુક્શાનીનું વળતર ચૂકવવાની માંગ ગ્રામજનોએ કરી હતી.