જામનગર પંચકોષી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા પ્લોટ નં.90 જી.આઈ.ડી.સી. એસોસીએશન ઓફીસ પર સાંજે ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઈસમો વિરૂધ્ધની ફરીયાદોના નિકાલ તથા પોલીસ ખાતાને લગત અન્ય પ્રશ્ન અંગે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકદરબારમાં જામનગર ગ્રામ્યના ડી.વાઈ.એસ.પી. રાજેન્દ્ર દેવધા તેમજ પંચકોષી બી. ડિવિઝન ના પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયા હાજર રહ્યા હતા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ એમ.ડાંગરીયા તેમજ લઘુઉદ્યોગ ભારતી જામનગરના પ્રમુખ રાજેશભાઈ આર. ચોવટીયા અને અન્ય હોદેદારો તથા કારોબારી સભ્યો અને બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા વ્યાજ વસુલાત અને અન્ય અસામાજીક તત્વો દ્વારા કોઈપણ રીતે હેરાનગતિ થતી હોય તો તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં શેહ શરમ રાખ્યા વિના જાણ કરવા અપીલ કરી હતી અને તેની ઉપર કડક કાર્યવાહી કરી વ્યાજખોરોના ચુંગાલ માંથી મુકત કરવાની ખાતરી આપી હતી.