Gujarat

વડોદરામાં મુખ્ય માર્ગ પર ગેસ સપ્લાય કરતી ગાડીમાંથી ગેસ લીકેજ થતાં અફરાતફરી, વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે (30 જુલાઈ) સવારના સમયે CNG સપ્લાય કરતી ગાડીમાં પાઈપલાઇન ફાટી જતાં ગેસ લીકેજ થયું હતું. જેને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડીવાડી બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતું અટકાવ્યું હતું.

જોકે, વડોદરા શહેરના મુખ્ય રોડ પર આ પ્રકારે CNGની ગેસ લીકેજ થતાં આસપાસના લોકો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સાથે થોડીવાર માટે એક સાઈડનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી આજે સવારે 7:30 વાગ્યે CNG સ્ટેશન ઉપર સપ્લાય કરતી CNG ગેસ ભરેલી ગાડી પસાર થઈ રહી હતી.

CNG ગેસ લીકેજ થતાં આસપાસના લોકો અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા.

આ સમયે CNG ગાડીનો પાઈપ ફાટતા તેમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સંભળીને ડ્રાઇવરે તુરંત જ ગાડી રોકી દીધી હતી. જે બાદ તેણે ગેસ લીકેજને અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી.

લીકેજ બંધ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

બીજી તરફ આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો. જેને કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.