પાદરા જંબુસર રોડ પર ડભાસા ગામ નજીક એસ.ટી.બસ અને પીકપ ફોર વ્હીલ ગાડીને ગમખ્વાર અકસ્માત થતા 10 જેટલા વ્યક્તિને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી. 108 દ્વારા પાદરા સરકારી દવાખાના તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે બસ ચાલકને વધુ સારવાર વડોદરાની હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડાયા હતા. અકસ્માત સર્જાતા લોક ટોળાં ભેગા થઇ ગયા હતા. ટ્રાફિક જામ થવા પામ્યો હતો.
અકસ્માતમાં પીકઅપ વાનના ભુક્કા બોલી ગયા હતા. ચાલકને ક્રોસરોડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી. જેને લઇ એસટી વિભાગે હાશકારો અનુભવ્યો હતો. પાદરા પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર કાવી દહેગામ ખાતે રહેતા જાવીદ રસુલભાઈ મલેક તેમજ કૌટુંબિકભાઈ સુફિયાન સલીમ મલેક રાત્રીના 1 કલાકે પોતાની પીકઅપ વાન લઇને પાદરા સરદાર પટેલ શાક માર્કેટમાં શાકભાજી લેવા નીકળ્યા હતા.
શાકભાજી ખરીદી કરી સવારે 6 કલાકે પરત જંબુસર જવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન ડભાસા ગામ નજીક બાન્કો કંપનીની પાસે સામેથી આવતી સરકારી બસના ચાલકે પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી લઇ આવી બસની આગળ ચાલતી ટ્રકને ઓવર ટ્રેક કરતા પીક અપ વાનના આગળના ભાગે ડ્રાઈવર સાઈડે ધડાકા ભેર અકસ્માત કર્યો હતો. પીક અપ વાન રસ્તા વચ્ચે ઉભી થઇ ગયેલ અને ચાલક જાવીદ મલેક પીકપ વાનમાં ફસાઈ ગયા હતા. અકસ્માત સર્જાતા અન્ય લોકોએ જાવીદને બહાર કાઢ્યા હતા.
જ્યારે સુફિયાન મલેક વાનમાંથી કુદી પડ્યા હતા. જંબુસરથી પાદરા આવતી એસટી બસ અને બોલેરો પીકપ ટેમ્પો વચ્ચે અકસ્માતમાં એસટી બસમાં સવાર પેસેન્જરો પૈકી 10 જેટલા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેઓને 108 એમ્બ્યુલન્સની મદદથી પાદરાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તથા પાદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બસના ડ્રાઇવર અને પીકપ વાનના ડ્રાઇવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.