Gujarat

વડોદરામાં પડેલા ભૂવામાં હું મુખ્યમંત્રી છું… હું ધારાસભ્ય છું…હું કોર્પોરેટર છું..કામ નહીં કરૂં..તેવા પોસ્ટરો સાથે દેખાવો

શહેરમાં 24 જુલાઇએ 14 ઇંચ પડેલા વરસાદે પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીના લીરા ઉડાવ્યા છે. કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલા સ્માર્ટ રોડની હલકી કામગીરીના કારણે રોજ ભૂવા પડી રહ્યા છે.

ત્યારે વોર્ડ નંબર 12 મા નટરાજ ટાઉનશિપ પાસે મસમોટો વધુ એક ભૂવો પડ્યો હતો. આ ભૂવાને પાંચ દિવસ પછી પણ પુરવામાં ન આવતાં સામાજિક કાર્યકરોએ ભૂવામાં બેસી હું મુખ્યમંત્રી છું… હું ધારાસભ્ય છું…હું કોર્પોરેટર છું..કામ નહીં કરૂ..તેવા પોષ્ટરો સાથે દેખાવો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે.

જેમાં વડોદરામાં પણ છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા જમાવટ કરીને બેઠાં છે. અને કોર્પોરેશનની પ્રિ મોન્સુન કામગીરીના ધજાગરા ઉડાવી રહ્યા છે. સાથે પાલિકા દ્વારા શહેરમાં કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામા રસ્તાઓની પોલ ખોલી રહ્યા છે. શહેરમાં રોજબરોજ અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે. અને સામાજિક કાર્યકરો પ્રજાનો અવાજ બની અનોખો વિરોધ કરવા સાથે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે.

ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર ભુવા પડવાની શરૂઆત થઇ હતી. એક સાંધતા તેર તૂટી રહ્યા જેવો ઘાટ સર્જાયો છે. તંત્રની પ્રિ-મોનસુન કામગીરી સામે સવાલો ઉઠવા માંડ્યા છે. ભુવા પડતાની સાથે જ પાલિકાની ઘોર નિંદ્રામાં છે. કામગીરી સામે સવાલો હજી ઉઠી રહ્યાં છે.

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા નજીકની નટરાજ ટાઉનશીપ પાસે પાંચ દિવસ પહેલા પડેલા મહાકાય ભુવાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પાલિકાના અધિકારીઓ ભુવો જોઇને ગયા બાદ પૂરવાની કોઇ કામગીરી કરવામાં આવી ન હતી.